ગ્રાજ, તા. 10 : ઓસ્ટ્રિયાના બીજા સૈથી મોટા
શહેર ગ્રાજમાં એક યુવાને શાળામાં પહોંચીને અંધાધૂંધ ગોળીબાર કરતાં સાત વિદ્યાર્થી સહિત
કમ સે કમ નવ જણનાં મોત થયાં છે. હુમલાખોરે ત્યાર બાદ પોતાને પણ ગોળી મારી દીધી હતી.
પોલીસે આવીને આખી સ્કૂલ ખાલી કરાવી હતી અને હાલમાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવાય
છે. અમુક અહેવાલ મુજબ હુમલાખોર વિદ્યાર્થી જ હતો. ઓસ્ટ્રિયાની સમાચાર એજન્સી એપીએના
અહેવાલ મુજબ શહેરની એક શાળામાં એક શખ્સે જ બેફામ ગોળીબાર કર્યો હતો અને પછી શૈચાલયમાં
જઈને તેણે પોતાને પણ ગોળી મારી દીધી હતી. પોલીસને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે, સવારે 10 વાગ્યાની આસપાસ સ્કૂલમાં ભારે
ગોળીબારનો અવાજ સંભળાયો હતો. પોલીસે પહોંચીને શાળા ખાલી કરાવી હતી. શહેરના મેયર એલ્કે
કાહરે કહ્યું હતું કે, મૃતકોમાં સાત
છાત્ર, સ્કૂલનો એક કર્મચારી અને એક અપરાધી સામેલ છે. પોલીસના
જણાવ્યા અનુસાર આ ફાયરિંગમાં અમુક લોકો ઘવાયા છે અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલુ
છે. સ્કૂલનો જ એક વિદ્યાર્થી બંદૂક લઈને શાળાએ પહોંચ્યો હતો અને અંધાધૂંધ ગોળીબાર શરૂ
કરી દીધો હતો. ઈજાગ્રસ્તોને એરએમ્યુલન્સની મદદથી સારવારમાટે હોસ્પિટલ લઈ જવાયા હતા.
બનાવની જાણ થતાં જ પોલિસની ટૂકડીઓ ગણતરીની મિનિટોમાં હેલિકોપ્ટરમાં બનાવ સ્થળે પહોંચી
હતી. ઓસ્ટ્રિયાની સરકારઅનુસાર બનાવની તપાસ ચાલી રહી છે. કારણ હજુ સ્પષ્ટ નથી.