નવી દિલ્હી,
તા. 9 : ભાજપના
વડપણવાળી એનડીએની સરકારને સોમવારે 11 વર્ષ
પૂરાં થયાના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, અમારી સરકારે પૂરી નિષ્ઠા અને સેવાભાવ સાથે દરેક વર્ગના લોકોનું જીવન સરળ બનાવવા
પ્રયાસ કર્યા છે. અમારી સરકારની યોજનાઓનાં કેન્દ્રમાં ગરીબ ભાઇ-બહેનોની સાથોસાથ જણેજણનાં
કલ્યાણનો ભાવ છે. દેશને આગળ વધારવાની દિશામાં મહિલાઓ ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી રહી
છે. છેલ્લાં 11 વર્ષમાં
સરકારે મહિલાઓનાં નેતૃત્વમાં વિકાસને પ્રાથમિક્તા આપી છે. આ સમયગાળામાં મહિલાઓએ મેળવેલી
સિદ્ધિઓ, સફળતાઓ દેશ માટે ગૌરવની વાત છે, તેવું
વડાપ્રધાને જણાવ્યું હતું. આ અવસરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ પત્રકાર
પરિષદને સંબોધતાં કહ્યું હતું કે, છેલ્લાં 11 વર્ષમાં દેશમાં આવેલા બદલાવો મોદી સરકારના સાહસિક ફેંસલાઓનાં
પરિણામે છે. નોટબંધી વખતે વિપક્ષો જનતાને ભડકાવી રહ્યા હતા, ત્યારે સરકારનાં સમર્થનમાં લોકો લાઇનમાં ઊભા હતા. લોકોને મોદીજીનાં નેતૃત્વ
પર ભરોસો હતો. દેશે માની લીધું હતું કે, કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી શક્ય નથી, પરંતુ મોદી સરકારે
કરી બતાવ્યું. કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીમાં 63 ટકા મતદાન થયું, તેવું નડ્ડાએ
કહ્યું હતું. ભાજપ અધ્યક્ષે જણાવ્યું હતું કે, 11 વર્ષમાં `િવકસિત
ભારત' નિર્માણના પાયા મજબૂત બન્યા છે. છેલ્લાં 11 વર્ષમાં ભારત વિશ્વની અર્થવ્યવસ્થાઓમાં 10માંથી પાંચમા સ્થાન પર પહોંચી ગયું છે. આંતરરાષ્ટ્રીય
નાણાં ભંડોળ (આઇએમએફ)ના આંકડાઓ અનુસાર ભારત દેશ હવે ચોથાં સ્થાને પહોંચવા તરફ છે. વિપક્ષ
પર પ્રહાર કરતાં નડ્ડાએ કહ્યું હતું કે, વિરોધ પક્ષોએ ચૂંટણી પ્રક્રિયા પર
સવાલ ઉઠાવતાં પહેલાં વિચારવું જોઇએ. આપ હિમાચલ, પંજાબમાં ચૂંટણી
જીતો ત્યારે પ્રક્રિયા સામે કેમ સવાલ નથી કરતા.