• મંગળવાર, 17 જૂન, 2025

ભારતને ધર્મશાળા ન સમજો : સુપ્રીમ

નવી દિલ્હી, તા. 19 : ભારત દેશમાં શરણાર્થી સમુદાયના કાયમી વસવાટના મુદ્દે વખતોવખત રાજકીય ઘર્ષણ થતું રહ્યું છે ત્યારે શરણાર્થીઓના મુદ્દે સખત વલણ અપનાવતાં દેશની સર્વોચ્ચ અદાલતે સોમવારે જણાવ્યું હતું કે, ભારત દેશ એ કોઇ ધર્મશાળા નથી. આ દેશ 140 કરોડની જંગી વસ્તી સાથે પહેલાંથી જ સંઘર્ષ કરી રહ્યો છે. દરેક જગ્યાએથી આવતા શરણાર્થીઓને શરણ આપવું સંભવ નથી. ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને કે. વિનોદચંદ્રનની ખંડપીઠે શ્રીલંકાથી આવીને સાત વર્ષ જેલમાં રહ્યા બાદ છૂટેલા તમિલ નાગરિકની શરણ આપવાની માંગ સાથે કરાયેલી અરજી ફગાવી દેતાં આ ધ્યાન ખેંચનારો ચુકાદો આપ્યો હતો. શ્રીલંકાના તમિલ નાગરિક અરજદારને ભારતમાં રહેવાનો કયો અધિકાર છે, તેવું સુપ્રીમે પૂછ્યું હતું. અરજદાર સિંહાલી નાગરિકના વકીલે કહ્યું હતું કે, સિંહાલી યુવક અને તેના પત્ની, બાળકો ભારતમાં વસી ગયા છે. શ્રીલંકામાં તેમને જીવનું જોખમ છે. આ દલીલ સાંભળીને ન્યાયમૂર્તિ દીપાંકર દત્તાએ કહ્યું હતું કે, ભલે તેવું હોય, તો અરજદાર કોઇ અન્ય દેશમાં જઇ શકે છે. ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને કે. વિનોદચંદ્રનની ખંડપીઠે શ્રીલંકાઇ તમિલ નાગરિકની શરણ આપવાની માંગ કરતી અરજી ફગાવી દેતાં આ ટિપ્પણી કરી હતી. શ્રીલંકાના નાગરિકની 2015ના વર્ષમાં ધરપકડ કરાઇ હતી. એ તમિલ યુવક  એલટીટીઇ સાથે જોડાયેલો હોવાની    ભારતીય એજન્સીઓને શંકા હતી. હકીકતમાં મદ્રાસ હાઇકોર્ટે શ્રીલંકાઇ નાગરિકને ગેરકાનૂની ગતિવિધિ નિયમન કાયદા (યુએપીએ) હેઠળ સાત વર્ષની સજા પૂરી થતાં તરત ભારત દેશ છોડી દેવાનો આદેશ આપ્યો હતો. એ આદેશને પડકારતાં અરજી કરીને સિંહાલી નાગરિકે સુપ્રીમને હસ્તક્ષેપની માંગ કરી હતી, પરંતુ કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. શ્રીલંકામાં તમિલ નાગરિકને જાનનો ખતરો છે તેવી દલીલ સિંહાલી નાગરિકના વકીલે કરી હતી. જસ્ટિસ દીપાંકર દત્તાએ પ્રશ્ન પૂછયો હતો કે, ભારત દેશમાં વસવાનો આપનો કયો અધિકાર છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ, દેશના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડે એક વખત સુનાવણીમાં કહ્યું હતું કે, શરણાર્થીઓનું વસવું રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બની શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd