• શનિવાર, 20 એપ્રિલ, 2024

શિયાળુ પાકને 20થી 25 ટકા નુકસાન

અમદાવાદ, તા. 30 (અમારા પ્રતિનિધિ તરફથી) : તાજેતરમાં આવેલા કમોસમી વરસાદને લઇને અનેક વિસ્તારોમાં પાકને નુકસાન થયું છે. એક અંદાજ પ્રમાણે છેલ્લા બેથી ત્રણ મહિનાથી ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદથી રાજ્યમાં શિયાળુ પાકને અંદાજે 20થી 25 ટકા નુકસાન થયુ હોવાની શક્યતા છે. તેમાં ખાસ કરીને કેરી જેવા બાગાયતી પાકનો સમાવેશ થાય છે. કિસાનસંઘના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ વિઠ્ઠલ દૂધાત્રાએ જણાવ્યું હતુ કે આમ જુઓ તો નુકસાનની ટકાવારી 20થી 25 ટકા બહુ વધુ ન કહેવાય. આ નુકસાન ખાસ કરીને શિયાળુ પાકમાં વધુ થયું છે. જેમાં ઘઉં, ચણા, જીરુ, ઇસબગૂલના પાકનો સમાવેશ થાય છે. જોકે ઉનાળુ પાકમાં વધુ નુકસાન નથી. જો કે તેમણે એમ પણ જણાવ્યું હતુ કે જે ખેડૂતોએ ચોમાસા પહેલા વાવણીલાયક પાક જેમ કે કપાસ અને મગફળીનું વાવેતર કરી નાખ્યુ છે તેમને આવા કમોસમી વરસાદથી લાભ થશે. દરમિયાનમાં બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં બાજરીના પાકને અને ઘાસચારામાં મોટા પાયે નુકસાન થયુ છે. તેની સાથે પશુઓના મોત પણ નીપજ્યા છે. હવામાન વિભાગના અનુસાર ગુજરાતમાં હજી પણ આવનારા બે દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે ગુજરાતમાં સત્તાવાર ચોમાસું 15 જૂનની આસપાસ બેસે તેવી શક્યતા છે. 4 જૂન સુધી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને કારણે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. પરંતુ તે પહેલાં ગુજરાતમાં 7થી 10 જૂન સુધી એક વાવાઝોડું આવવાની શક્યતા છે. જેમાં દરિયામાં ભારે પવન ફૂંકાશે અને અનેક ભાગોને નુકસાન થવાની ભીતિ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang