નવી
દિલ્હી, તા.
11 : ગઈકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ
માટે સફળ મધ્યસ્થીનો દાવો કરનારા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર બાબતે મધ્યસ્થીનો
પ્રસ્તાવ મૂકતાં ભારતે તે ફગાવ્યો હતો અને પાકિસ્તાન સાથે માત્ર પીઓકે પરત લેવા અંગે
જ બેઠક કરશે. ભારતના આ વલણથી એ સ્પષ્ટ થયું છે કે, પાક કબજાગ્રસ્ત કાશ્મીર મામલે કોઈ
ત્રીજા પક્ષની મધ્યસ્થી ભારતને સ્વીકાર નથી. સંઘર્ષવિરામમાં બંને દેશની સાહસિક અને
નિર્ણાયક ભૂમિકાની ટ્રમ્પે પ્રશંસા કરી હતી અને એવું પણ નિવેદન આપી દીધું હતું કે,
હજારો વર્ષોથી ચાલતા કાશ્મીર વિવાદના ઉકેલ માટે બંને દેશ સાથે કામ કરવા
હું ઉત્સુક છું. ઘેરાયેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કાશ્મીર વિવાદના નિરાકરણ
માટે ટ્રમ્પના પ્રયાસોની અમે સરાહના કરીએ છીએ. અમે પુનરોચ્ચાર કરીએ છીએ કે,
જમ્મુ અને કાશ્મીર વિવાદના કોઈ પણ ન્યાયસંગત અને કાયમી ઉકેલ માટે યુનોની
સુરક્ષા પરિષદના પ્રસ્તાવોને ધ્યાનમાં લેવા જોઈએ અને કાશ્મીરી લોકોના મૌલિક અધિકારો
સુનિશ્ચિત બનાવવા જોઈએ. સરકારી સૂત્રોએ જણાવ્યું
હતું કે, કાશ્મીર પર સરકારનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે,
ફક્ત એક જ મુદ્દો બાકી છે - પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) પરત. આ
સિવાય વાત કરવા માટે કંઈ નથી. જો તેઓ આતંકવાદીઓને સોંપવાની વાત કરે, તો વાત થઈ શકે છે. કોઈ અન્ય વિષય પર કોઈ વાતચીત નહીં થાય. કાશ્મીર મામલે ભારતને
કોઈની મધ્યસ્થીની જરૂર નથી. ટ્રમ્પનાં નિવેદનને લઇને કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન
તાક્યું હતું. પક્ષના મહામંત્રી જયરામ રમેશે કહ્યું હતું કે, શું ત્રીજા પક્ષની મધ્યસ્થીના દ્વાર ખૂલી ગયા ? રાજદના
સાંસદ મનોજ ઝાએ સવાલ કર્યો હતો કે (કાશ્મીર મુદ્દે) નક્કી કરનારા તમે કોણ છો
? ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ યુદ્ધ વિનાશનું
કારણ બની શકે તેમ હતું. લાખો સારા તેમજ નિર્દોષ લોકો માર્યા જાય તેવી ભીતિ હતી. હું
ભારત અને પાકિસ્તાનના મજબૂત નેતૃત્વ અંગે ગૈરવની લાગણી અનુભવું છું. આ નિર્ણય બહાદુરીભર્યો
છે અને બંને દેશના વારસાને વધુ ગૌરવશાળી બનાવે છે. ટ્રમ્પે કહ્યું હતું કે,
અમેરિકા હવે ભારત અને પાક સાથે વ્યાપારી સંબંધોને સઘન બનાવશે. આ અંગે,
જો કે, કોઈ ઔપચારિક ચર્ચા થઈ નથી પણ હું સ્પષ્ટ
કરું છું કે, અમેરિકા બંને રાષ્ટ્ર સાથે વ્યાપાર વધારશે. મને
ગૌરવ છે કે, અમેરિકા તમને (ભારત અને પાકિસ્તાનને) આ ઐતિહાસિક
અને વીરતાપૂર્ણ નિર્ણય લેવામાં મદદ કરવામાં સફળ રહ્યું. તેઓ ભારત અને પાક સાથે મળીને
કાશ્મીરનનો લાંબાગાળાનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે, ભારત ભૂતકાળમાં ઘણીવાર સ્પષ્ટ કરી ચૂક્યું છે કે, કાશ્મીર
મામલે કોઈ ત્રીજા દેશની મધ્યસ્થીની જરૂર નથી.