નવી
દિલ્હી, તા. 11 : પહેલગામમાં હીચકારો આતંકી હુમલો કરાવનારા પાકિસ્તાનને
કડક પાઠ ભણાવવા માટે ભારતીય સશત્ર દળોએ હાથ ધરેલાં ઓપરેશન સિંદૂર દરમ્યાન 100 જેટલા નાપાક આતંકીઓનો ખાતમો બોલી ગયો હતો. ઉપરાંત
પાક સેનાના લગભગ 40 સૈનિક
અને અધિકારી પણ માર્યા ગયા હતા, જ્યારે ભારતના પાંચ જવાન શહીદ થયા હતા. ઓપરેશન સિંદૂરમાં દળોએ
બતાવેલા શૌર્યની વિગતો આપવા માટે આજે સાંજે મળેલી ત્રણેય પાંખના ડાયરેક્ટર જનરલની એક
પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું હતું કે, પાકિસ્તાન હવે પછી કોઈ
પણ પ્રકારનું દુ:સાહસ કરશે તો તેને જડબાંતોડ જવાબ અપાશે. ઉપરાંત ઘર્ષણ વખતે ભારતીય
નૌકાદળ પણ કરાચી સહિતનાં સ્થળોને નિશાન બનાવવા સજ્જ હતું. ડીજીએમ ઘાઇએ જણાવ્યું હતું કે, આવતીકાલે
બપોરે 12 વાગ્યે પાકિસ્તાન ડીજીએમઓ સાથે વાતચીત કરાશે.
પાકિસ્તાને કરેલી કાર્યવાહીનો પણ યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો, જેમાં ભારતને કોઈ નુકસાન થયું
નથી. જ્યારે પાકિસ્તાની વિમાનોને ભારતીય સેનામાં ઘૂસતાં જ ખદેડી દેવામાં આવ્યાં હતાં
અને નિશ્ચિત રૂપે અમુક વિમાન તોડી પાડવામાં આવ્યાં છે. ઓપરેશન સિંદૂરમાં ભારતના તમામ
પાઈલટ સુરક્ષિત છે. ડીજીએમઓએ ભાવુક શબ્દોમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું
હતું કે, ભારતની સંપ્રભુતા સાથે કોઈપણ સમજૂતી થશે નહીં. પ્રેસ
કોન્ફરન્સમાં સેનાના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ, વાયુસેનાના
ડીજી એર ઓપરેશન એરમાર્શલ અવધેશ કુમાર ભારતી અને ભારતીય નૌસેનાના ડીજીએનઓ વાઈસ એડમિરલ
એએન પ્રમોદ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડીજીએમઓ રાજીવ
ઘઈએ કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂરનો હેતુ આતંકીઓનો ખાતમો કરવાનો હતો. જેમાં 100 આતંકી હણાયા છે. સાથે જ આતંકી છાવણીઓને ઉડાવી
દેવાના પુરાવા પણ બતાવ્યા હતા. કહેવામાં આવ્યું હતું કે મુદસ્સર ખાર, હાફિઝ જમીનલ અને યુસુફ અઝહર
જેવા ત્રણ મોટા આતંકી ઢેર થયા છે. વાઇસ એડમિરલ
એ.એન. પ્રમોદે જણાવ્યું હતું કે, પહેલગામ હુમલા પછી, ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ, પાણીની સપાટીએ લડતાં દળો,
સબમરીન અને નૌકાદળ ઉડ્ડયન સંસાધનોને સંપૂર્ણ યુદ્ધ સાથે સમુદ્રમા તૈનાત કરવામાં આવ્યા
હતા. આતંકવાદી હુમલાના 96 કલાકની
અંદર, અમે અરબી
સમુદ્રમાં અનેક શત્ર પરીક્ષણો દરમ્યાન અમારી વ્યૂહરચના અને કાર્યવાહી પ્રક્રિયાઓનું
પરીક્ષણ અને સુધારા કર્યા હતા. ભારતીય નૌકાદળની શક્તિશાળી હાજરીને કારણે પાકિસ્તાનને
તેની નૌકાદળ અને વાયુસેનાને બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મર્યાદિત રાખવાની ફરજ
પડી, જેના પર સતત નજર રાખવામાં આવતી હતી. વાઇસ એડમિરલ પ્રમોદે
કહ્યું હતું કે, અમારો બદલો સંયમિત, સંતુલિત
અને જવાબદાર રહ્યો છે. અમે જે સ્થળોને નિશાન બનાવવાની તૈયારી કરી હતી તેમાં કરાચીનો
પણ સમાવેશ થતો હતો. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, ભારતીય નૌકાદળ
હજુ પણ સંપૂર્ણ તાકાત સાથે સમુદ્રમાં હાજર છે અને કોઇપણ પ્રતિકૂળ કાર્યવાહીનો નિર્ણાયક
જવાબ આપવા માટે તૈયાર છે. રાજીવ ઘઇએ જણાવ્યું હતું કે, પહેલગામમાં
ભારતીય નાગરિકો પર થયેલા હુમલા બાદ ઓપરેશન
સિંદૂરનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીનો સ્પષ્ટ લશ્કરી ઉદ્દેશ હતો આતંકવાદીઓ
અને તેમનાં ઠેકાણાઓનો નાશ કરવાનો. અમે સરહદ પાર આતંકવાદી છાવણીઓની ઊંડાણપૂર્વક ઓળખ
કરી, પરંતુ ત્યાં ઘણા છુપાવાના સ્થળો પહેલાંથી જ ખાલી કરાવી દેવામાં
આવ્યા હતા, પરંતુ અમને આવા 9 આતંકી અડ્ડા મળ્યા, જેને આમાનાં કેટલાક ઠેકાણા પાકિસ્તાન
કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં હતા અને મુરીદકે જેવા કેટલાક પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં
હતા. આ અડ્ડા કસાબ અને ડેવિડ હેડલી જેવા આતંકવાદીઓ સાથે સંકળાયેલા છે. અમારા હુમલામાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા, જેમાં યુસુફ અઝહર, અબ્દુલ મલિક રૌફ અને મુદાસીર અહેમદ
જેવા મોટા ત્રાસવાદીઓનો સમાવેશ થાય છે. આ આતંકવાદીઓ આઇસી-814 અપહરણ પુલવામા હુમલામા સામેલ હતા. અમારા ઓપરેશનમાં
100 જેટલા આતંકી માર્યા ગયા હતા. ડીજી એર ઓપરેશન એરમાર્શલ અવધેશ કુમાર ભારતીએ
કહ્યું હતું કે ભારતીય વાયુસેનાએ મુરીદકે અને બહાવલપુર જેવા આતંકી અડ્ડાઓ ઉપર પ્રહાર
કર્યો હતો. આ બન્ને સ્થળ એલઓસીથી ઘણા અંદર હતા એટલે તેની પસંદગી રણનીતિક રીતે મહત્ત્વની
હતી. વાયુસેનાએ સચોટ હુમલા માટે સેટેલાઈટ અને ઈન્ટેલિજન્સ આધારિત ચોક્કસ લક્ષ્યને પાર
પાડે તેવી વ્યવસ્થાનો ઉપયોગ કર્યો હતો. ભારતીય વાયુસેનાએ સાવધાનીપૂર્વક માત્ર આતંકી
છાવણીઓ નિશાન બનાવી હતી અને નાગરિકને નુકસાન ન પહોંચે તેનું ધ્યાન રખાયું હતું. પાકિસ્તાનના
વાયુસેના મથકો, કમાન્ડ સેન્ટર્સ, સૈન્ય માળખાં અને એર ડિફેન્સ સિસ્ટમને
નિશાન બનાવવામાં આવ્યા હતા, જેથી પાકિસ્તાનને સૌથી વધારે નુકસાન
પહોંચે. આ કાર્યવાહીનો હેતુ પાકિસ્તાનને બતાવવાનો હતો કે ભારત પૂરી ક્ષમતા ધરાવે છે.
બાદમાં ડીજીએમઓ રાજીવ ઘઈએ કહ્યું હતું કે, પાકિસ્તાને ભારતીય
સૈન્ય બેઝને નિશાન બનાવવાની ઘણી કોશિશ કરી હતી, પણ પ્રયાસો નિષ્ફળ
રહ્યા હતા. ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ સમય રહેતાં જ તમામ જોખમને નાકામ કરી દીધા
હતા. ભારતીય વાયુસેના અધિકારી એકે ભારતીએ કહ્યું
હતું કે, સાતમીએ પાકિસ્તાને કરેલા ગોળીબારમાં ભારતને કોઈ ક્ષતિ
થઈ નથી, કારણ કે ભારતીય વાયુ રક્ષા પ્રણાલી પૂરી રીતે સક્રિય
અને સતર્ક હતી. 8 અને
9 મેની રાતે પાકિસ્તાન તરફથી ભારતીય શહેરો તરફ
ડ્રોન, યુએઈ
અને યુસીએવી છોડવામાં આવ્યા હતા. બાદમાં ભારતીય વાયુસેનાએ લાહોર સ્થિત પાકિસ્તાની રડાર
સિસ્ટમ નિશાને લેવામાં આવી હતી. આ કાર્યવાહી એક સચોટ જવાબ હતો, તેમ છતાં પાકિસ્તાને ડ્રોન હુમલા કર્યા હતા, જેને નિષ્ફળ
કરવામાં આવ્યા હતા. રાજીવ ઘઈએ કહ્યું હતું કે, તેઓની પાકિસ્તાની
ડીજીએમઓ સાથે 10મીએ
બપોરે 3.35 વાગ્યે સંપર્ક થયો હતો અને બાદમાં સાંજે પાચં
વાગ્યે બન્ને દેશ વચ્ચે સીઝફાયર થયું હતું. જે પાકિસ્તાની ડીજીએમઓએ પ્રસ્તાવિત કર્યું
હતું. આ સાથે 12મીએ બપોરે 12 વાગ્યે ફરીથી વાત કરવા સહમતી બની હતી. જો કે નિરાશાજનક
રીતે પાકિસ્તાની સેનાએ અમુક કલાકમાં જ સમજૂતીનું ઉલ્લંઘન કરીને ક્રોસ બોર્ડર ગોળીબાર
કર્યો હતો અને ડ્રોન આક્રમણ કરીને બતાવ્યું હતું કે સહમતીનું પાલન કરવામાં આવશે નહીં.
આ ઉલ્લંઘનનો મજબૂતીથી જવાબ આપવામાં આવ્યો હતો અને સાથે પાકિસ્તાની ડીજીએમઓને આકરી પ્રતિક્રિયા
આપી હતી. પાકિસ્તાનને કહેવામાં આવ્યું હતું કે, આર્મી ચીફે સેના કમાન્ડરોને પાકિસ્તાન દ્વારા કોઈપણ ઉલ્લંઘનનો
યોગ્ય જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે. - કરાંચી
બંદર પર હુમલાની તૈયારીમાં હતી નૌસેવા :
નવી દિલ્હી તા.11 : પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ સમજૂતી થયા બાદ ડાયરેકટર
જનરલ ઓફ નેવલ ઓપરેશનના વાઈસ એડિમિરલ એએન પ્રમોદે રવિવારે સંયુક્ત પત્રકાર પરિષદમાં
જણાવ્યું કે ભારતીય નૌસેના 9મી
મેના રોજ રાત્રે સમુદ્ર સરહદમાં પાકિસ્તાનના સૈન્ય મથકો, કરાંચી પોર્ટ સહિત અન્ય નિર્ધારિત
ઠેકાણાંઓને નિશાન બનાવવા અને તેને તબાહ કરવાની પુરી તૈયારીમાં હતી. તેને માત્ર ભારત
સરકારના આદેશની રાહ હતી. ભારતીય નૌસેના આ બધું કરવા સંપૂર્ણ રીતે સક્ષમ છે.