• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

હતાશ પહેલવાનો ચંદ્રક ગંગાર્પણ કરવા પહોંચ્યા...

નવી દિલ્હી, તા. 30 : મહિલા ખેલાડીઓનાં કથિત યૌન શોષણના આરોપોમાં ઘેરાયેલા ભારતીય કુસ્તીસંઘનાં અધ્યક્ષ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહની સામે મોરચો માંડનારા પહેલવાનોએ જંતરમંતર ઉપરથી ધરણાં કરતાં હટાવવામાં આવ્યા બાદ આરપારની લડાઈ ખેલી લેવાનો નિર્ધાર કર્યો છે. જેમાં આજે આંદોલનમાં સામેલ તમામ પહેલવાનોએ રોષભેર પોતાને મળેલા ચંદ્રક-મેડલને સાંજે જ ગંગામાં વહાવી નાખવાનું એલાન કરી દીધું હતું. વીનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સંગીતા ફોગાટ, સાક્ષી મલિક સહિતના ટોચના પહેલવાનો આજે સાંજે આંખોમાં આંસુ અને મેડલ લઈને દિલ્હીથી હરિદ્વાર પહોંચી ગયા હતા. મેડલ ગંગાર્પણ કરી નાખવા માટે પહેલવાનો હર કી પૌડી પણ પહોંચી ગયા હતા, પણ તેઓ ચંદ્રકોને પાણીમાં વહાવે તે પહેલાં જ કિસાન નેતા રાકેશ ટિકૈતે ત્યાં પહોંચીને તેમને અટકાવી લીધા હતા. ટિકૈતે પહેલવાનોને પોતાના પરસેવાની કમાણી જેવા સન્માનો પાણીમાં નાખતાં અટકાવીને મેડલ પોતાની પાસે લઈ લીધા હતા અને સરકારને બ્રિજભૂષણ સામે કાર્યવાહી માટે પાંચ દિવસનું આખરીનામું આપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહના દિવસે જ ત્યાં નજીકમાં પહેલવાનોએ મહિલા મહાપંચાયત યોજીને વિરોધ પ્રદર્શન કરવાની ઘોષણા કરી હતી, જેના માટે આડશો તોડીને પહેલવાનોએ જંતરમંતરથી નીકળીને નવી સંસદ તરફ જવાનો પ્રયાસ પણ કર્યો હતો, જેમાં પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી અને તેમને અટકાયતમાં પણ લેવાયા હતા. આ ઘટના પછી જંતરમંતર ખાતે પહેલવાનોનાં ધરણાં સામે મનાઈ ફરમાવી દેવામાં આવેલી, જેને પગલે રોષે ભરાયેલા પહેલવાનોએ હવે પોતાના મેડલને ગંગામાં વહાવીને આક્રમક વિરોધ કરવા નિર્ધાર જાહેર કર્યો હતો. મેડલ ગંગામાં પધરાવીને પહેલવાનોએ ઈન્ડિયા ગેટ ઉપર આમરણાંત ઉપવાસ આંદોલનનું એલાન પણ કર્યું હતું. ઓલિમ્પિક ચંદ્રક વિજેતા બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે આજે ટ્વિટર ઉપર લખ્યું હતું કે, પ્રદર્શનકારી પહેલવાનો આજે સાંજે 6 વાગ્યે હરિદ્વાર જઈને ગંગા નદીમાં પોતાના મેડલ પ્રવાહિત કરી નાખશે. ત્યારબાદ ઈન્ડિયા ગેટ ખાતે બેમુદતી અનશનનો આરંભ કરવામાં આવશે. તો સાક્ષી મલિકે લખ્યું હતું કે, પહેલવાનો સાંજે ગંગામાં પોતાનાં સન્માન વિસર્જિત કરી નાખશે. આ ચંદ્રક અમારી જાન અને આત્મા છે. અમે તેને ગંગામાં વહાવવા જઈ રહ્યા છીએ. તે ગંગામાં વહી ગયા પછી અમારા જીવનનો કોઈ મતલબ રહેશે નહીં માટે અમે ઈન્ડિયા ગેટ ખાતે આમરણાંત ઉપવાસ ઉપર બેસી જઈશું. જો કે, દિલ્હી પોલીસે ઈન્ડિયા ગેટ ખાતે આવા કોઈ અનશન આંદોલન માટે અનુમતિ આપવાનું નકારી દીધું હતું. એલાન મુજબ જ તમામ પહેલવાનો ભારેહૃદયે પોતાના તમામ આંતરરાષ્ટ્રીય મેડલ લઈને હરિદ્વાર પણ પહોંચી ગયા હતા. પહેલવાનોએ કહ્યું હતું કે, ગંગાને જેટલી પવિત્ર માનવામાં આવે છે તેટલી જ પવિત્રતાથી મહેનત કરીને તેમણે દેશ માટે મેડલ જીત્યા હતા. ગંગામાં મેડલ પધરાવી દેવા હર કી પૌડી પહોંચીને પહેલવાનો અત્યંત ભાવુક બની ગયા હતા. બધા ખેલાડીઓએ ત્યાં બેસીને ખુબ રુદન કર્યું હતું. ત્યાં એકત્ર ભીડ પણ આ કરુણ દૃશ્યોમાં ભાવુક બની ગઈ હતી. છેલ્લી ઘડીએ ટિકૈતે ખેલાડીઓને પોતાની મહેનતનાં ફળને આવી રીતે નહીં વહાવવા સમજાવી લીધા હતા અને મેડલ પોતાની પાસે સલામત રાખી લીધા હતા. કોંગ્રેસ દ્વારા ખેલાડીઓને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે અને હરિદ્વારમાં પણ કોંગ્રેસનાં કાર્યકરો પહોંચી ગયા હતા. બીજીબાજુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ ખેલાડીઓની તરફેણમાં આવ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang