• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

નવ વર્ષમાં બધા નિર્ણય લોકહિતના : મોદી

આનંદ વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 30 : કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકારે નવ વર્ષમાં લોકોનું જીવન સુધારવાની ગણતરી સાથે પ્રત્યેક નિર્ણયો લીધા છે. દેશની સેવાના આ નવ વર્ષ બાદ મારું હૃદય નમ્રતા અને કૃતજ્ઞતાની ભાવનાથી છલકાય છે. અમારી સરકારે લોકોનું જીવન સુધારવાના લક્ષ્ય સાથે જ બધા નિર્ણય લીધા છે, એમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે. વડા પ્રધાન મોદીએ પ્રથમ મુદત માટે 26મી મે, 2014ના દિવસે અને પછી મુદત માટે 30મી મે, 2019ના દિવસે હોદ્દાના શપથ લીધા હતા. ગત નવ વર્ષમાં ભારતે કરેલી પ્રગતિની વિગતો જોઈ શકાય એ માટે વડાપ્રધાન મોદીએ ટ્વીટર એકાઉન્ટ ઉપર વૅબસાઈટ લિન્ક પણ આપી છે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાને કારણે લોકોને કેવો લાભ થયો છે તે જોવા વૅબસાઈટની મુલાકાત લેવાનું મોદીએ દેશવાસીઓને આમંત્રણ આપ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જય પ્રકાશ નડ્ડાએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદીની સરકારનાં નવ વર્ષ સેવા, સુ-શાસન અને ગરીબોનાં કલ્યાણનાં છે. આ સમયગાળામાં રાષ્ટ્રીય સલામતી, સ્વાવલંબન વૈશ્વિક દરજ્જો, આર્થિક સશક્તીકરણ અને અન્ય ક્ષેત્રોમાં ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે. નડ્ડાએ શ્રેણીબદ્ધ ટ્વીટમાં જણાવ્યું હતું કે, દેશમાં છેક છેવાડાના નાગરિકો સુધી સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ પહોંચે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આરોગ્ય, શિક્ષણ, રસ્તા, પાણીપુરવઠો અને વીજળી જેવી પાયાની જરૂરિયાતો દેશમાં દૂરસુદૂરના વિસ્તારોમાં પહોંચે એ માટે પગલાં ભરવામાં આવ્યાં છે. કોવિડ-19ની વૈશ્વિક સમસ્યા પછી પણ ભારત પ્રગતિના પંથે આગળ ધપી રહ્યું છે, એમ નડ્ડાએ ઉમેર્યું હતું. ભાજપ દ્વારા આજે દેશભરમાં એક માસ લાંબું `િવશેષ સંપર્ક અભિયાન' શરૂ કરવામાં આવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુઘએ પત્રકારોને જણાવ્યું હતું કે, દેશમાં `પૉલિસી પેરાલિસિસ'ની સ્થિતિ નવ વર્ષે પહેલાં હતી, પરંતુ મોદી સરકાર આવ્યા પછી નીતિવિષયક નિર્ણય દૃઢતાપૂર્વક અને ઝડપથી લેવામાં આવ્યા છે. ભારત વિશ્વમાં પાંચમા ક્રમાંકનું અર્થતંત્ર બન્યું છે તે ગૌરવનો વિષય છે. બે સદી સુધી આપણા ઉપર રાજ કરનારા બ્રિટનથી આપણે આગળ નીકળી ગયા છીએ. વડા પ્રધાન મોદી આવતી કાલે અજમેરમાં રૅલીને સંબોધીને ઝુંબેશનો પ્રારંભ કરશે. દેશભરમાં 51 મોટી રૅલીઓ અને લોકસભાના મતવિસ્તારોના સ્તરે 500 બેઠકો યોજવામાં આવશે. આવતી 30મી જૂન સુધીમાં 600 સ્થળોએ પત્રકાર પરિષદ યોજવામાં આવશે. દેશનાં ચાર હજાર વિધાન સભા ક્ષેત્રોમાં પણ કાર્યક્રમો યોજવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang