નવી દિલ્હી, તા. 19 : કેન્દ્રની
મોદી સરકારે નાના ટ્રાન્ઝેક્શન ઉપર મોટી રાહત આપી છે. કેન્દ્રીય મંત્રી મંડળે નાણાકીય
વર્ષ 2024-25 માટે 2000 રૂપિયાથી ઓછી કિંમતની યુપીઆઈ
લેવડદેવડને પ્રોત્સાહન આપવા માટે 1500 કરોડ રૂપિયાની પ્રોત્સાહન યોજનાને બુધવારે મંજૂરી આપી હતી. આ
યોજના હેઠળ સરકાર કોઈપણ વ્યક્તિ દ્વારા વેપારીને કરવામાં આવેલા 2000 રૂપિયાથી ઓછાની ચુકવણી ઉપર
એમડીઆર (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) ખર્ચ ઉઠાવશે. જેનો લાભ વિશેષ રીતે નાના કારોબારીઓને
મળશે. સરકારનું લક્ષ્ય કારોબારીઓ અને ગ્રાહકો ઉપર આર્થિક બોજને ઓછો કરીને ડિજીટલ ચુકવણી
સુધી પહોંચ વધારવાનો છે. કેન્દ્રીય મંત્રીમંડળના કહેવા પ્રમાણે બુધવારે નાણાકીય વર્ષ
2024-25 માટે ઓછી કિંમતના ભીમ-યુપીઆઈ
ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે વ્યક્તિથી વેપારી (પીટૂએમ) પ્રોત્સાહન યોજનાને
મંજૂરી આપી છે. ઓછી કિંમતની ભીમ યુપીઆઈ લેવડદેવડને પ્રોત્સાહન આપવાની યોજના 1500 કરોડ રૂપિયાની અનુમાનિત પડતરથી
લાગુ કરવામાં આવશે. આ યોજના હેઠળ માત્ર નાના
વેપારીઓ માટે 2000 રૂપિયા સુધીની યુપીઆઈ લેવડદેવડને
કવર કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નાના વેપારીની કેટેગરીથી સંબંધિત
2000 રૂપિયા સુધીની લેવડદેવડ માટે
પ્રતિ ટ્રાન્ઝેક્શન મૂલ્ય ઉપર 0.15 ટકાના દરથી
પ્રોત્સાહન પ્રદાન કરવામાં આવશે. કોરોના પહેલા બે હજાર રૂપિયાથી ઓછાના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન
ઉપર એમડીઆર લાગતો તો પણ તેને 2020મા માફ કરી
દેવામાં આવ્યો હતો. જેનો હેતુ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાનો હતો. મર્ચેન્ટ
ડિસ્કાઉન્ટ રેટને એમડીઆર કહેવામાં આવે છે. આ ચાર્જ સામાન્ય રીતે દુકાનદાર, બેંકને ઓનલાઈન પેમેન્ટ પ્રોસેસ કરવા માટે આપે
છે. તેવામાં વેપારીઓ આ રકમની વસૂલાત ગ્રાહકો પાસે કરે છે. આ ઉપરાંત કેબિનેટે 2024-25 અને 2025 26 માટે વધારવામાં આવેલા ભંડોળ
સાથે સંશોધિત રાષ્ટ્રીય ગોકુલ મિશનની અમલવારી મંજૂરી આપી છે. આ મિશન કૃત્રિમ ગર્ભાધાન
અને આઈવીએફના માધ્યમથી દૂધ ઉત્પાદનની ઉત્પાદકતામાં સુધારો લાવવાની ધ્યાન કેન્દ્રિત
કરવામાં આવશે. તેમજ આસામમાં બ્રહ્મપુત્ર વેલી ફર્ટિલાઈઝર કોર્પોરેશન લિમિટેડના પરિસરમાં
નવું બ્રાઉનફિલ્ડ એમોનિયા-યુરિયા કોમ્પ્લેક્શન સ્થાપિત કરવા મંજૂરી આપી હતી જ્યારે
મહારાષ્ટ્રમાં જેએનપીએ પોર્ટથી ચોક સુધી છ લેનના ગ્રીનફીલ્ડ હાઈવેના નિર્માણને પણ મંજૂરી
આપી હતી. આ પરિયોજના બીઓટી મોડ ઉપર વિકસિત કરવામાં આવશે અને કુલ 4500 કરોડનો ખર્ચ થવાનું અનુમાન
છે.