નવી દિલ્હી, તા.18 : તપાસ પૂરી
થઈ ગયા બાદ સાધારણ કેસમાં પણ ખટલા અદાલત એટલે કે નીચલી કોર્ટ દ્વારા આરોપીઓને જામીન
નહીં આપવા અને વારંવાર નકારવાની પ્રથા ઉપર સુપ્રીમ કોર્ટે ઘેરી નિરાશા વ્યક્ત કરી છે.
આ સાથે તપાસ એજન્સીઓ પણ અવારનવાર આરોપીઓને અકારણ પૂછપરછ માટે કસ્ટડીમાં લેતી હોવા સામે
ભારે નારાજગી દર્શાવી છે. જસ્ટિસ અભય એસ.ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની ખંડપીઠે કહ્યું
હતું કે, આ લોકતાંત્રિક દેશ છે અને તેને પોલીસ સ્ટેટ
એટલે કે પોલીસરાજની જેમ કામ કરવું ન જોઈએ. સુપ્રીમ કોર્ટની પીઠે આ વાતને રેખાંકિત કરતા
લોકતાંત્રિક વ્યવસ્થાનો હવાલો આપીને કહ્યું હતું કે, બે દાયકા
પહેલા સુધી નાના કેસોમાં જામીન અરજીઓ ક્યારેક જ હાઈકોર્ટ સુધી પહોંચતી હતી. તેમાં સર્વોચ્ચ
અદાલતની તો વાત જ રહેવા દો. જસ્ટિસ ઓકાએ એક જામીન અરજીની સુનાવણી કરતા આગળ કહ્યું હતું
કે, આ ચોંકાવનારું તથ્ય છે કે, સુપ્રીમ
કોર્ટ હવે એવી જામીન અરજીઓ ઉપર ચુકાદા આપી રહી છે જેની પતાવટ ખટલા અદાલત સ્તરે જ થઈ
જવી જોઈતી હતી. આ પ્રકારે વ્યવસ્થા ઉપર બિનજરૂરી બોજ આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે,
જામીન મંજૂર કરવામાં ઉદારતા દાખવવાનો મુદ્દો સર્વોચ્ચ અદાલતે પહેલીવાર
નથી ઉઠાવ્યો. સુપ્રીમ કોર્ટે નીચલી અને ઉચ્ચ અદાલતોને અવાર-નવાર જામીન આપવામાં ઉદારતા
અપનાવવા માટે આગ્રહ કરેલો છે. ખાસ કરીને એવા કેસમાં જ્યાં મામૂલી રૂપે કાયદાનો ભંગ
થયો હોય. સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતો તરફથી જામીન નામંજૂર કરવાની પરંપરા સામે અગાઉ
પણ પીડા વ્યક્ત કરવામાં આવી ચૂકેલી છે. જેને સુપ્રીમે અગાઉ બૌદ્ધિક બેઈમાની પણ કહેલી
છે. જબરદસ્તી કેદમાં રાખવામાં આવતા વ્યક્તિગત સ્વતંત્રતાની અવહેલના ગણાવીને વ્યક્તિગત
સ્વતંત્રતાની રક્ષાનાં મહત્વ ઉપર જોર આપવા એકથી વધુ વખત નિર્દેશો પણ આપેલા છે.