આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 18 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં સંબોધનની શરૂઆતમાં મહાકુંભના સફળ આયોજન બદલ દેશની જનતા
જનાર્દનનો આભાર વ્યક્ત કર્યો હતો. મોદીએ કહ્યું કે ગંગાજીને ધરતી પર લાવવા મહારાજ ભગીરથે
જે પ્રયાસ કર્યો એવો જ પ્રયાસ આ વખતે કુંભમાં પણ જોવા મળ્યો હતો. સમગ્ર વિશ્વએ મહાકુંભના
રૂપમાં ભારતના વિરાટ સ્વરૂપના દર્શન કર્યા, બધાના સહિયારા પ્રયાસનું આ સાક્ષાત સ્વરૂપ છે. જનતા જનાર્દનના સંકલ્પથી પ્રેરિત
આ મહાકુંભ હતો. મોદીએ કુંભના આયોજન અને સફળતાને જાગૃત ભારતની નિશાની ગણાવી એની સરખામણી
સ્વામી વિવેકાનંદના શિકાગોની ધર્મસભામાં આપેલા ઐતિહાસિક ભાષણ, 1857નો વિપ્લવ, ભગતસિંહની શહીદી, સુભાષચંદ્ર
બોઝના દિલ્હી ચલો અને મહાત્મા ગાંધીની દાંડી યાત્રા સાથે કરી હતી. મોદીએ વધુમાં જણાવ્યું
હતું કે ગયા વર્ષે અયોધ્યામાં આપણે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનુભવ્યું
કે દેશ આગામી એક હજાર વર્ષની આગેકૂચ માટે તૈયારી કરી રહ્યો છે. આ વર્ષે મહાકુંભના આયોજનથી
આપણે આ સંકલ્પને વધુ દૃઢતાથી સાકાર કર્યો. દેશનો સહિયારો પુરુષાર્થ કેટલો શક્તિશાળી
હોય એનો આ પ્રત્યક્ષ પુરાવો છે. મહાકુંભમાં રોજે રોજ દેશ-વિદેશના કરોડો લોકો ઉત્તર
પ્રદેશના પ્રયાગરાજમાં સંગમ સ્થળે હર હર ગંગેના જાપ જપીને પવિત્ર ડૂબકી લગાવીને એક
ભારત-શ્રેષ્ઠ ભારતની એકતાની સુવાસ ફેલાવી રહ્યા હતા. સંગમ તટે સૌ નાનું-મોટું,
ઊંચ-નીચ, જાતિ-પાતિ, સંપ્રદાયના
ભેદભાવ મિટાવીને સ્નાન કરી રહ્યા હતા. એકતાની આ તાકાત જ આપણને તોડવાના પ્રયાસોને ખતમ
કરી નાખવા પૂરતી છે. હું દેશભરના શ્રદ્ધાળુઓ, ઉત્તર પ્રદેશની
જનતા, ખાસ તો પ્રયાગરાજની જનતાને ધન્યવાદ આપું છું, મહાકુંભમાં આપણી રાષ્ટ્રીય ચેતનાનાં જાગરણનાં દર્શન થયાં, આપણા સામર્થ્ય સામે કેટલાકનાં મનમાં
શંકા-કુશંકાઓ હતી એને પણ મહાકુંભે જવાબ આપી દીધો છે. જ્યારે દુનિયાભરમાં મતભેદો,
અલગતાવાદ ઉભરી રહ્યા છે ત્યારે ભારતમાં એકતાના અદ્ભુત દર્શન થયા છે.
આપણી આધુનિક પેઢી પણ કુંભમાં શ્રદ્ધાથી જોડાઈ હતી.