• ગુરુવાર, 01 મે, 2025

ખૂલ જા સીમ સીમ.. પાલડીમાં 96 કિલો સોનું જપ્ત

અમદાવાદ, તા. 17 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ છે. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલાં આવિષ્કાર એપાર્ટમેન્ટના એક બંધ ફ્લેટમાં સોનાનો મોટો જથ્થો અને રોકડ રકમ છુપાવી હોવાનો ઘટસ્ફોટ થયા બાદ  એટીએસ અને ડીઆરઆઈની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને દરોડા પાડયા છે. હાલ બંને એજન્સીએ વધુ તપાસ હાથ ધરી છે. અંદાજિત રૂા. 86 કરોડથી વધુની કિંમતનું આશરે 95.5 કિલો સોનું, અન્ય ઘરેણાં અને અંદાજિત 60થી 70 લાખની રોકડ રકમ ઝડપાઈ છે. નોંધનીય છે કે, અમદાવાદના ઇતિહાસમાં સૌપ્રથમ વખત આટલી મોટી માત્રામાં સોનું ઝડપાયું છે. તપાસ દરમિયાન મહેન્દ્ર શાહ અને મેઘ શાહનાં નામ બહાર આવ્યાં છે, જેઓ બન્ને તેઓ પિતા-પુત્રનો સંબંધ ધરાવતા હોવાનું મનાય છે. મેઘ શાહ આ ફ્લેટમાં ભાડે રહેતો હતો. આ તપાસમાં હજુ પણ વધારે મુદ્દામાલ ઝડપાય તેવી શક્યતા છે. દરોડાની કાર્યવાહી દરમિયાન ચલણી નોટો ગણવા બે મશીન અને સોનાનું વજન કરવા ઈલેક્ટ્રિક વજનકાંટા પણ મગાવવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, શેરબજાર ઓપરેટર મેઘ શાહ અને તેના સાગરીતો ખોખા કંપનીઓના શેરના ભાવમાં ઉછાળો લાવીને કરોડો રૂપિયા ઘરભેગા કરતા હતા. આ લોકોએ કાળું નાણું સોનામાં ફેરવ્યું હોવાની માહિતી મળી હતી. પાલડીમાં શેરબજાર ઓપરેટરના આવિષ્કાર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 104માં બપોરે અઢી વાગ્યે દરોડા પાડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, પાલડી ખાતે શેરબજાર ઓપરેટરના ફ્લેટમાં અંદાજિત 100 કિલોથી વધુ સોનું છુપાવ્યું હોવાની બાતમી એજન્સીઓને મળી હતી. ત્યારબાદ અહીં એટીએસ અને ડીઆરઆઈએ સંયુક્ત દરોડા પાડયા છે. આ ફ્લેટમાં કોઈ રહેતું ન હતું. પડોશીઓએ બંધ ફ્લેટમાં ઘણા લોકો આવવાની જાણ અધિકારીઓને કરી હતી. હવાલાકાંડ હોવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. હાલ, તપાસ ચાલી રહી છે અને હજુ વધુ સોનું અને રોકડ ઝડપાય તેવી શક્યતાઓ છે. એજન્સીઓ દ્વારા નોટો ગણવાનું મશીન અને વજનકાંટો મગાવવામાં આવ્યો હતો. આ અંગે એટીએસ અને ડીઆરઆઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd