નવી દિલ્હી, તા. 17 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં 10મા રાયસીના ડાયલોગના ઉદ્ઘાટન
પહેલાં ચીફ ગેસ્ટ અને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સનનું સ્વાગત કર્યું
હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે,
ક્રિસ્ટોફર લક્સન ભારત સાથે લાંબા સમયથી જોડાયેલા છે. તેઓએ થોડા
દિવસ પહેલાં ઓકલેન્ડમાં હોળી ઉપર ઉત્સવનો જે માહોલ બનાવ્યો હતો તેને ઘણાએ જોયો
હતો. આ દરમિયાન ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે ઘણી સમજૂતીઓ થઈ હતી. બાદમાં નિવેદનમાં
પીએમ મોદીએ કહ્યું હતું કે, બન્ને દેશ આતંકવાદ સામે
કાર્યવાહી કરવા સહમત થયા છે. આતંકવાદ કોઈ પણ રૂપમાં સ્વીકાર્ય નથી. 19 માર્ચ
સુધી ચાલનારા રાયસીના ડાયલોગમાં 125 દેશના
પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે,
જેમાં મુખ્ય અતિથિ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રક્ષા સહાયોગ સંબંધિત સમજૂતી ઉપર હસ્તાક્ષર બાદ મીડિયા
સાથે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે, તેઓ ઈન્ડો
પેસિફિક ઓશન ઈનિશિએટિવ સાથે જોડાવા માટે ન્યૂઝીલેન્ડનું સ્વાગત કરે છે. ભારત
વિકાસવાદની નીતિમાં વિશ્વાસ રાખે છે, વિસ્તારવાદમાં નહીં.
ઈન્ટરનેશનલ સોલાર અલાયન્સ બાદ સીડીઆરઆઈમાં જોડાવા માટે પણ ન્યૂઝીલેન્ડને અભિનંદન
પાઠવવામાં આવે છે. વધુમાં બન્ને દેશ વચ્ચે પારસ્પરિક રૂપથી મુક્ત વ્યાપાર સમજૂતી
ઉપર વાતચીત શરૂ કરવાનો નિર્ણય થયો છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, સ્પોર્ટસમાં કોચિંગ અને ખેલાડીઓના એક્સચેન્જ સાથે સ્પોર્ટસ સાયન્સ,
સાઈકોલોજી અને મેડિસીનમાં પણ સહયોગ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને 2026માં
બન્ને દેશ વચ્ચે ખેલ સંબંધના 100 વર્ષ ઊજવવાનો નિર્ણય થયો છે.
રાયસીના ડાયલોગ દરમિયાન ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઘણી મહત્ત્વની સમજૂતી થઈ હતી.
બન્ને દેશ આતંકવાદ સામે કાર્યવાહી કરવા સહમત થયા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે, આતંકના દોષિતો સામે
કાર્યવાહી જરૂરી છે.