નવી દિલ્હી, તા. 10 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પહેલા
પોડકાસ્ટમાં કહ્યું હતું કે, મારાથી પણ ભૂલો થાય છે. હું મનુષ્ય છું, કોઇ ભગવાન નથી.
જેરોધાના સહસ્થાપક નિખિલ કામત સાથે આ પોડકાસ્ટનું ટ્રેલર જારી કરાયું હતું. આ મુલાકાતમાં
મોદીએ દુનિયામાં યુદ્ધની સ્થિતિ, રાજકારણમાં
યુવાનોની ભૂમિકા, પોતાના પહેલા અને બીજા કાર્યકાળના અનુભવો પર વાતો કરી હતી. વિશ્વમાં
યુદ્ધો પર વડાપ્રધાને કહ્યું હતું કે, હું સતત કહેતો રહ્યો છું, ભારત શાંતિના પક્ષમાં
છે, ન્યૂટ્રલ (તટસ્થ) નથી. યુવાનોએ એંબિશન નહીં,
મિશન એટલે કે મહત્ત્વકાંક્ષા નહીં, પરંતુ લક્ષ્ય લઇને રાજકારણમાં આવવું જોઇએ તેવું
મોદી બોલ્યા હતા. નિખિલ કામતે કહ્યું હતું કે, રાજકારણને નકારાત્મક કહેવાતું રહ્યું
છે. આ મુદ્દા પર સ્મિત સાથે વડાપ્રધાને જણાવ્યું હતું કે, એવું હોત તો આપણે આજે વાતચીત કરી રહ્યા ન હોત. વડાપ્રધાન મોદીએ
પણ આ પોડકાસ્ટનું ટ્રેલર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. ત્યારપછીથી એ ટ્રેલરની પોસ્ટ
લોકો દ્વારા ભારે વાયરલ થઇ રહી છે. આ પોડકાસ્ટ ક્યારે રિલીઝ થશે તેની તારીખ હજુ સામે આવી નથી, પરંતુ તેના
ટ્રેલરથી લોકોમાં ઉત્સુકતા વધી છે. મોદીએ જણાવ્યું હતું કે, ગાંધીજી મહાન વક્તા ન હોવા
છતાં પોતાનાં કામો અને વ્યક્તિત્વથી દેશને એક રાખવાની ક્ષમતા ધરાવતા હતા. તેમણે ક્યારે
ટોપી પહેરી નહોતી પણ દુનિયા ગાંધી ટોપીને યાદ રાખે છે.