પ્રકાશ જહા દ્વારા : અમદાવાદ, તા. 8 : ગાંધીનગર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજવા અંગેની
તૈયારીઓ તેના અંતિમ તબક્કામાં પ્રવેશી ચુકી છે અને ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં અથવા
તો જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં વિધિવત ઘોષણા થશે તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા
છે. મળતી વિગતો પ્રમાણે બે તબક્કામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી યોજવામાં આવશે
અને આ અંગેની વહીવટીય કામગીરી લગભગ તેના અંતિમ તબક્કામાં છે. ચૂંટણી પંચના વિશ્વાસનીય
સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા, નગર પાલિકા,
જિલ્લા પંચાયત અને તાલુકાપંચાયતની સામાન્ય તેમજ પેટા ચૂંટણી યોજવામાં આવશે. જાન્યુઆરીના
પ્રથમ પખવાડીયા પછી આ ચૂંટણી માટે મતદાન યોજાશે
અને જાન્યુઆરીના અંત સુધીમાં આ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પ્રક્રિયા
સંપન્ન કરવામાં આવશે. પંચના આ સૂત્રોના જણાવ્યા પ્રમાણે 10 થી 15 ડિસેમ્બરની વચ્ચે
આ શહેરી વિસ્તારની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંગે મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં
આવશે. આ મતદારયાદી ઓક્ટોબર 2024માં જે વિધાનસભાની મતદારયાદીનો ડ્રાફ્ટરોલ પ્રસિદ્ધ
થયો છે તેને ધ્યાને લઈ તૈયાર કરવામાં આવી રહી છે અને તે કામગીરી હાલ તેના અંતિમ તબક્કા
છે. આ સૂત્રોનું માનીએ તો 12મી ડીસમ્બરના રોજ મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં
આવી શકે છે. બીજી તરફ ગ્રામ પંચાયતોની ચૂંટણી
માટેની મતદારયાદી ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં પ્રાથમિક પ્રસિધ્ધિ પામી શકે છે. જાન્યુઆરીમાં
મહાનગર પાલિકા, નગર પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ આ સંસ્થાઓની ખાલી
પડેલ બેઠકો માટે ચૂંટણીઓ યોજવા માટે તંત્ર અને પંચ દ્વારા તૈયારીઓ લગભગ તેના અંતિમ
તબક્કામાં છે અને ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં અથવા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં તેની
ઘોષણા થશે. જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેરાત ફેબ્રુઆરીના પ્રથમ અથવા જાન્યુઆરીના
અંતિમ સપ્તાહમાં કરવામાં આવી શકે છે.