નવી દિલ્હી , તા. 8 : દેશના સત્તારૂઢ પક્ષ ભાજપે રવિવારે આરોપ
મૂક્યો હતો કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી કાશ્મીરને ભારતથી અલગ કરવાની
વકીલાત કરતાં સંગઠન સાથે જોડાયેલાં છે. ફોરમ ઓફ ડેમોક્રેટિક લીડર્સ ઈન એશિયા પેસિફિક
નામે આ સંગઠનને જોર્જ સોરોસ ફાઉન્ડેશન તરફથી ફંડિંગ (ભંડોળ) મળે છે, તેવું કહેતાં કેસરિયા
પક્ષે કહ્યું હતું કે, સોનિયા આ સંગઠનના સહઅધ્યક્ષ છે. ભાજપે કોંગ્રેસ પર બે આરોપ મૂક્યા
હતા. પહેલા આરોપમાં કહ્યું હતું કે, રાજીવ ગાંધી ફાઉન્ડેશનને પણ જોર્જ સોરોસ ફાઉન્ડેશન
ફંડ આપે છે. આ ભંડોળનો ઉપયોગ ભારતને બદનામ કરવા માટે કરાય છે. બીજા આરોપમાં કહ્યું
હતું કે, રાહુલ ગાંધી જેના અહેવાલ ટાંકીને કેન્દ્ર સરકાર પર હુમલા કરે છે, તે ઓર્ગેનાઈઝ્ડ
ક્રાઈમ એન્ડ કરપ્સન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (ઓસીસીઆરપી)ને પણ જોર્જ સોરોસ ફાઉન્ડેશનની
મદદ મળે છે. આ બન્ને કોંગ્રેસ સાથે મળીને ભારતની અર્થવ્યવસ્થાને કમજોર કરવા સાથે મોદી
સરકારને બદનામ કરવાની કોશિશ કરે છે. કેસરિયા પક્ષે દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધી
કેટલાક એવા લોકો સાથે જોડાયાલા છે, જેઓ દેશને તોડવાના પ્રયાસ સાથે લગાતાર ભારત વિરોધી
એજન્ડા ચલાવે છે. ભારત વિરોધી એજન્ડા ચલાવનારા અને રાહુલ ગાંધી સાથે સંપર્કમાં છે,
તેવા લોકોમાંથી એકનું નામ સલીલ શેટ્ટી હોવાનું કહેવાય છે, તેવો આરોપ ભાજપે કર્યો હતો.
સલીલ ઓપન સોસાયટી ફાઉન્ડેશનના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે, આ સંગઠન ભારત વિરુદ્ધ અહેવાલ
છાપવા માટે ઓસીસીઆરપીને ભંડોળ પૂરું પાડે છે. રાહુલ સાથે `ભારત જોડો યાત્રા'માં ભારતને તોડવાના પ્રયાસ
કરતી સંસ્થાનો સલીલ જેવા મળ્યો હતો, તેવો દાવો પણ ભાજપે કર્યો હતો. બીજું નામ બાંગલાદેશી
પત્રકાર મુશ્ફ્કુલ ફઝલ અંસારીનું છે. અંસારી પણ ઓસીસીઆરપી સાથે જોડાયેલા છે. આ બન્ને
લોકો રાહુલ સાથે મળેલા છે, તેવો આરોપ ભાજપે મૂક્યો હતો.