નવી દિલ્હી, તા. 8 : સીરિયામાં 13 વર્ષથી ચાલી રહેલાં ગૃહયુદ્ધનો
અંત આવી ગયો છે. વિદ્રોહીઓએ દેશના પાંચ મુખ્ય શહેર દમિશ્ક, અલેપ્યો, હમ્મા, હોમ્સ અને
દારા પર કબજો કરી લીધો છે. રાષ્ટ્રપતિ બશર અલ અસદ પોતાના પરિવાર સાથે દેશ છોડીને રશિયા
ભાગી ગયા હતા. એક સમયે `અજેય' મનાતા
અસદનાં શાસનને હયાત તહરીર અલશામનાં નેતૃત્વમાં જોરદાર હુમલો કરી, વિદ્રોહીઓએ ધ્વસ્ત
કરી નાખ્યું હતું. વિદ્રોહી જૂથના નેતા અબુમોહમ્મદ અલ જુલાનીએ તખતાપલટ કરીને `સંક્રમણકાલીન' સરકાર રચવાની ઘોષણા કરી દીધી
હતી. વડાપ્રધાન મોહમ્મદ અલજલાલીને રાજ્ય સંસ્થાઓની દેખરેખ માટે રખેવાળ નિયુક્ત કરાયા
હતા. બીજી તરફ સેનાએ એલાન કરી દીધું હતું કે, હવે સીરિયા દેશ રાષ્ટ્રપતિ બશર અલ અસદનાં
શાસનમાંથી આઝાદ થઇ ગયો છે. અસદની સત્તા ખતમ થતાં અસદ પરિવારનાં 54 વર્ષનાં શાસનનો અંત
આવી ગયો છે. વિદ્રોહીઓએ રવિવારે રાજધાની દમિશ્ક પર કબજો કરી લીધો હતો. સીરિયાના વડાપ્રધાન
મોહંમદ ગાઝી અલ જલાલીએ વિદ્રોહીઓને સત્તા સોંપવાનો પ્રસ્તાવ આપ્યો હતો. લોકોએ રાષ્ટ્રપતિ
ભવનને લૂંટવામાં માંડયું હતું અને વાયરલ થયેલા અનેક વીડિયોમાં લોકો ટેન્ક પર ચડીને
ઉજવણી કરતા જોવા મળ્યા હતા. રાજધાની દમિશ્કમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. લોકોએ
ઘરોની બહાર નીકળીને વિદ્રોહીઓનું સ્વાગત કર્યું હતું. સીરિયા અસદથી આઝાદ થયુંના નારા
લોકોએ ખુશીભેર લગાવવા માંડયા હતા. સેના રાજધાની
છોડીને ભાગી ગઇ હોવાના વાવડ મળ્યા હતા. સેનાએ રાજધાની દમિશ્ક છોડતાં જ ઇસ્લામી કટ્ટરપંથી
જૂથ હયાત તહરિર અલ શામે પ્રવેશીને કબજો કરી લીધા હતો. સેનાએ શાંતિપૂર્ણ રીતે શહેર ખાલી
કરી દીધું હતું. સંઘર્ષના કારણે પોણા ચાર લાખ લોકોને વિસ્થાપીત થવું પડયું હતું. જો
કે, આજે અસદ સરકાર પડી જતાં લોકોએ ખુશીભેર ઉજવણી કરી હતી. વડાપ્રધાન મોહંમદ ગાઝી અલ
જલાલીએ એક વીડિયોમાં જણાવ્યું હતું કે, હું દેશમાં જ રહીશ અને જેને પણ સીરિયાની જનતા
ચૂંટશે, તેની સાથે મળીને કામ કરીશ. વિદ્રોહીઓએ રાજધાની દમિશ્ક સહિતના જે કુલ પાંચ મુખ્ય
શહેર પર કબજો કરી લીધો છે, તે તમામ શહેરોમાં હજારો લોકોએ રસ્તા પર ઊતરી પડતાં `સીરિયાની જય' જેવા નારા સાથે ઉજવણી કરી
હતી.