અમદાવાદ, તા. 30 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્ય સરકારે કર્મચારીઓ-અધિકારીઓના
હિતમાં મહત્ત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના સરકારી કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ
સમયે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ 20 લાખ રૂપિયાની મર્યાદામાં
આપવામાં આવે છે. હવે તેને વધારીને 25 લાખ રૂપિયા કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના ધોરણે
હવે આ વય નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો
વધારો કરાયો છે. હવે રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓને નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન
ગ્રેજ્યુઈટી મહત્તમ 25 લાખ રૂપિયાની કરવામાં આવી છે. આ વધારો 1લી જાન્યુઆરી 2024 પછી
વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી અંદાજે વાર્ષિક 53.15 કરોડ રૂપિયાનું ભારણ આવશે. રાજ્યના નાણાં
વિભાગ તરફથી કર્મચારીઓ માટે સરકારની સોગાદ સમાન આ મહત્ત્વપૂર્ણ નિર્ણયને મંજૂરીની મહોર
મારી દેવામાં આવી છે. હવે વિભાગ આ અંગે વિધિવત પરિપત્ર જારી કરશે.