આનંદ કે વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા.29 : આજે સતત
ચોથા દિવસે સંસદના બંને ગૃહોની કાર્યવાહીમાં વિક્ષેપ સર્જાયો હતો. અદાણી જૂથ સામે કથિત
લાંચના આરોપો અને અન્ય મુદ્દાઓ ઉપર વિપક્ષની ધમાલ બાદ લોકસભા અને રાજ્યસભાના કામકાજને
દિવસભર માટે સ્થગિત કરાયું હતું. રાજ્યસભામાં આજે સવારે ગૃહની બેઠક મળી ત્યારે અધ્યક્ષ
જગદીપ ધનખડે અન્ય મુદ્દાઓ ઉપરાંત અદાણી જૂથ સામે મૂકાયેલા કથિત લાંચના આરોપો પર ચર્ચાની
માગણી કરતી વિપક્ષના સભ્યો દ્વારા રજૂ કરાયેલી સ્થગિત નોટિસ (એડજોર્નમેન્ટ નોટિસ) ફગાવી
હતી. ધનખરે જણાવ્યું હતું કે નિયમ 267ને ગૃહના કામકાજમાં વિક્ષેપ પાડવાની પધ્ધતિ તરીકે
હથિયાર બનાવવામાં આવી રહ્યો છે. સતત વિક્ષેપ અંગે આક્રોશ વ્યકત કરતા અધ્યક્ષે જણાવ્યું
હતું કે વિરોધ કરી રહેલા સભ્યોએ ખૂબ જ ખરાબ દાખલો બેસાડયો છે અને ગૃહ લોકોની અપેક્ષાઓ
પર ઉભરી રહ્યુ નથી. તેમણે જણાવ્યું હતું કે લોકો સભ્યોની આ રીતની વર્તણૂંકની મજાક ઉડાવી
રહ્યા છે અને સભ્યો લોકોના કામ છોડીને અન્ય મુદ્દે ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા
છે.પ્રશ્નોત્તરી કલાકની ખોટ સાથે વિક્ષેપો જાહેર હિત માટે હાનિકારક છે. ધમાલ વચ્ચે
અધ્યક્ષે ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દીધી હતી. - સોમવારે બંને ગૃહોની બેઠક મળશે : લોકસભામાં બપોરે 12 વાગ્યે ગૃહ પહેલીવાર સ્થગિત થયા બાદ ફરી
ગૃહની બેઠક મળી હતી ત્યારે કોંગ્રેસ, ડીએમકે, સમાજવાદી પક્ષ અને અન્યના વિપક્ષી સભ્યો
સૂત્રોચ્ચાર કરતા વેલમાં ધસી ગયા હતા. વિપક્ષી સભ્યો દ્વારા રજૂ કરાયેલી નોટિસને ફગાવીને
તેમ જ કામકાજ મુલતવી રાખવાની રજૂઆત બાદ પ્રિસાઇડિંગ ઓફિસરે તેમને વર્તણૂંક સુધારવા
અને રચનાત્મક ભૂમિકા ભજવવાની વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આખો દેશ તમારી
હરકતોને જોઇ રહ્યો છે, જે અયોગ્ય છે. તેમ છતાં વિપક્ષી સભ્યોએ ધીરજ ધરી નહોતી અને ઓફિસરે
ત્યારબાદ ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી હતી. આ અગાઉ આજે સવારે ગૃહની કાર્યવાહી
શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ હલ્લાબોલ શરૂ કર્યા હતા અને હંગામો મચાવ્યો હતો. લોકસભાના
સ્પીકર ઓમ બિરલાની પ્રશ્નોત્તરી કાળને સુચારૂ રીતે ચાલવા દેવાની વિનંતીને પણ સભ્યોએ
અવગણી હતી. બિરલાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જનતા ઇચ્છે છે કે ગૃહ કાર્યક્ષમ રીતે
ચાલે અને વિપક્ષો અંગે તેમણે ચિંતા વ્યકત કરી હતી. હંગામા વચ્ચે સ્પીકરે ગૃહની કાર્યવાહી
બપોરે 12 વાગ્યા સુધી અને ત્યારબાદ દિવસભર માટે સ્થગિત કરી હતી.