નવી દિલ્હી, તા. 29 (પીટીઆઈ) : આર્થિક મોરચે નબળા સમાચારમાં
નાણાકીય વર્ષ 2024-25ના બીજા ત્રિમાસિક ગાળા (જુલાઈ-સપ્ટેમ્બર 2024)માં દેશની આર્થિક
વૃદ્ધિ ઘટીને બે વર્ષના નીચા સ્તર 5.4 ટકાએ રહી હતી. જીડીપીનો દર ઘટવા પાછળ ઉત્પાદન
અને ખાણ ક્ષેત્રનો નબળો દેખાવ કારણભૂત છે, આમ છતાં દેશ ઝડપથી આગળ ધપતી વિશાળ અર્થવ્યવસ્થાના
રૂપમાં યથાવત છે, એમ આજે જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું હતું. ઉત્પાદનમાં
વૃદ્ધિદર તો માત્ર 2.2 ટકા થઇ ગયો હતો. નાણાકીય વર્ષ 2023-24ના જુલાઈથી સપ્ટેમ્બરના
ત્રિમાસિક ગાળા દરમ્યાન કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)નો દર 8.1 ટકા રહ્યો હતો. આ પહેલાં
નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર)માં જીડીપી વિકાસદર
સૌથી ઓછો 4.3 ટકા રહ્યો હતો. છૂટક ખાદ્ય મોંઘવારીમાં ઉછાળો અને કંપનીઓનાં પરિણામોમાં
ઘટાડાને કારણે પણ જીડીપીના આંકડા અપેક્ષા મુજબના રહ્યા નથી. રિઝર્વ બેન્કે પણ વિકાસદરનું
અનુમાન ઘટાડયું હતું અને તેની પાછળનું મુખ્ય કારણ મોંઘવારી જ રહી હતી. ઉલ્લેખનીય છે કે વર્તમાન નાણાકીય વર્ષના પહેલા છમાસિક ગાળામાં
જીડીપી દર 6.7 ટકા હતો, જે છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળામાં સૌથી ઓછો જીડીપીનો આંક રહ્યો
હતો.