• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

બાંગલાદેશ હિન્દુઓની સુરક્ષાની જવાબદારી નિભાવે

નવી દિલ્હી, તા. 29 : બાંગલાદેશમાં લઘુમતી હિન્દુઓ વિરુદ્ધ અત્યાચારો અને લક્ષિત હુમલાઓને લઈને ભારતે આજે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ભારતે હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પરના જોખમ અને લક્ષિત હુમલાનો મુદ્દો બાંગલાદેશ સરકાર સમક્ષ સતત મજબૂતીથી ઉઠાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, આ મામલે અમારું વલણ સ્પષ્ટ છે. વચગાળાની સરકારે તમામ લઘુમતીઓની સુરક્ષાની પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. અમે કટ્ટરપંથી નિવેદનબાજી, હિંસા અને ઉશ્કેરણીની વધતી ઘટનાઓથી ચિંતિત છીએ. આ ઘટનાક્રમોને માત્ર મીડિયા દ્વારા અતિરેક સાથે રજૂ કરવાના રૂપમાં ગણાવીને નકારી શકાય નહીં. ઈસ્કોન વિશ્વભરમાં પ્રતિષ્ઠિત સંગઠન છે અને તેનો સમાજસેવાનો મજબૂત રેકોર્ડ છે. અમે ફરી એકવાર બાંગલાદેશ સરકારને અલ્પસંખ્યકોની સુરક્ષા માટે તમામ પગલાં લેવા આહ્વાન કરીએ છીએ. ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, વ્યક્તિગત મામલાઓની વાત કરીએ તો અમને જાણવા મળ્યું છે  કે કાનૂની પ્રક્રિયાઓ ચાલી રહી છે. અમે આશા રાખીએ છીએ કે આ પ્રક્રિયાઓ તટસ્થ, ન્યાયસંગત અને પારદર્શી રીતે પૂર્ણ થશે અને તમામ સંબંધિત લોકોના કાયદાકીય અધિકારોનું સન્માન સુનિશ્ચિત થશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી બાંગલાદેશમાં હિન્દુઓને નિશાન બનાવીને હુમલા થઈ રહ્યા છે અને લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. વિદેશ મંત્રાલયે એક સપ્તાહમાં બીજીવાર આ પ્રકારનું નિવેદન જારી કર્યું છે. - બાંગલાદેશમાં કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ મંદિરો પર હુમલો : ઢાકા, તા. 29 : બાંગલાદેશ ખાતે લઘુમતી હિન્દુઓ પર સતત અત્યાચાર થઈ રહ્યા છે. તાજેતરમાં ચંટગાવમાં મંદિરો અને લઘુમતીઓ પર હુમલા થયા બાદ હિન્દુઓને સુરક્ષિત જગ્યાએ જવા પર લાચાર થવું પડયું છે. શુક્રવારે નમાજ બાદ કોતવાલી પોલીસ સ્ઁશન પાસે કેટલીક દુકાનોને પણ નિશાન બનાવાઈ હતી. એક અહેવાલ અનુસાર જમાત-એ-ઈસ્લામી અને બાંગલાદેશી નેશનલિસ્ટ પાર્ટી (બીએનપી)ના કટ્ટરવાદીઓ દ્વારા રાધા ગોવિંદા અને શાંતનેશ્વરી માતૃ મંદિરને નિશાન બનાવાયા હતા. આ વિસ્તારમાં હિન્દુ ધાર્મિક સંગઠન ઈસ્કોન પર પ્રતિબંધ લગાવવાની માંગ સાથે રેલી કઢાઈ હતી તેવા સમયે જ આ હુમલો થયો હતો. સાક્ષીઓએ જણાવ્યું હતું કે પોલીસ અને સેનાના જવાનો મદદ માટે આગળ ન આવ્યા અને મૂકદર્શક બની રહ્યા હતા. વિસ્તારમાં 90 ટકા વસ્તી હિન્દુ સમુદાયની છે. હિંસા વધવાના કારણે ઘણા હિન્દુઓ તે વિસ્તાર છોડીને જતા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટમાં શેખ હસીનાના નેતૃત્વવાળી અવામી લીગ સરકારના પતન બાદ બાંગલાદેશમાં હિન્દુ મંદિરો અને દેવી-દેવતાઓને અપવિત્ર કરવાની અને નુકસાન પહોંચાડવાની અનેક ઘટનાનો ઘટી છે, જેમાં 200થી વધુ મંદિરોને નિશાન બનાવાયાં છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang