અમદાવાદ, તા. 6 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતની સ્થાનિક
સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ નોટિફિકેશન જાહેર કરાયું છે. ખાસ કરીને, જિલ્લા પંચાયત અને
તાલુકા પંચાયતની અનામત બેઠકોનું જાહેરનામું જારી કરાયું છે. ખેડા જિલ્લા પંચાયત અને
ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતની બેઠકો માટે રોટેશન જાહેર કરાયું છે. જ્યારે
બનાસકાંઠા જિલ્લા પંચાયત, અન્ય તાલુકા પંચાયતોની બેઠકોના રોટેશન ક્રમશ જાહેર થશે. ઉલ્લેખનીય
છે કે, ઓબીસી સમાજને 27 ટકા અનામત આપવાની જાહેરાત બાદ બેઠકોમાં ફેરફાર કરાયો છે. અહીં
નોંધવું ઘટે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી માટે 10 ટકા અનામતની
વ્યવસ્થાને કારણે ઘણા વિવાદો સર્જાતા હતા. હાઇકોર્ટના નિવૃત ન્યાયમૂર્તિ કે.એસ. ઝવેરીના
અધ્યક્ષસ્થાને એક સમિતિની રચના કરવામાં આવી હતી અને જેનો અહેવાલ રાજ્યસરકારને સુપરત
કરવામાં આવ્યો હતો. તે ભલામણો મુજબ સરકારે
ઓબીસી અનામત 10 ટકાથી વધારીને 27 ટકા કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. ત્યારે રાજ્યમાં
પ્રથમ વખત 7 ટકા એસસી, 14 ટકા એસટી, 27 ટકા ઓબીસી અને 52 ટકા સામાન્ય વર્ગની બેઠકો
મુજબ આ ચૂંટણી યોજાશે. મહત્વનું છે કે, આગામી ડિસેમ્બર મહિનામાં રાજ્યની નગરપાલિકા,
બે જિલ્લા અને 17 તાલુકા, 4,765 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર છે.