અયોધ્યા, તા. 30 : અયોધ્યામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી
આદિત્યનાથના હસ્તે દીપોત્સવનો પ્રારંભ થયો હતો. આ સાથે જ રામ કી પૌડી ઉપર નવો ગિનીઝ
વર્લ્ડ રેકોર્ડ પણ બન્યો હતો. અયોધ્યામાં કુલ 28 લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા
પણ એકસાથે 25 લાખ દીવડા અડધો કલાકમાં જ પ્રગટાવીને વિક્રમ સાથે ઈતિહાસ રચાયો હતો. આ
ઉપરાંત બીજો રેકોર્ડ અકસાથે 1121 લોકોએ એકસાથે સરયુની આરતી કરીને બનાવ્યો હતો. સરયૂ
નદીની બન્ને તરફ હજારો લોકોએ આ અનોખી ક્ષણને પોતાના મોબાઈલમાં કેદ કરીને સોશિયલ મીડિયામાં
પણ ઉલ્લાસ લાવી દીધો હતો. આ પહેલા યોગીએ દીપક પ્રગટાવીને દીપોત્સવની શરૂઆત કરાવી હતી
ત્યારબાદ સરયૂના તમામ 55 ઘાટે દીવડા જગમગી ઉઠયા હતા. આ વખતનું મુખ્ય આકર્ષણ લેઝર શો,
ડ્રોન શો અને આતશબાજી રહ્યું છે.