• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

લેબેનોનમાં ઇઝાયેલના ભૂમિ હુમલા શરૂ

નવી દિલ્હી, તા. 1 : ઈઝરાયલી સેનાએ હિઝબુલ્લાહ પ્રમુખ નસરુલ્લાહના ખાત્મા બાદ હવે લેબનોનમાં હિઝબુલ્લાહની છાવણીઓ ઉપર જમીની ઓપરેશન શરૂ કરી દીધું છે. જેને ઓપરેશન નોર્ધર્ન સ્ટાર નામ આપવામાં આવ્યું છે. ઈઝરાયલી સેનાએ ગ્રાઉન્ડ ઓપરેશનની ઘોષણા કરી દીધી છે. લેબનોની આતંકી સંગઠન સામે આ એક નવો મોરચો છે. આઇડીએફના કહેવા પ્રમાણે ઈઝરાયલી સરહદ નજીકના હિઝબુલ્લાહની છાવણીઓને નિશાન બનાવવામાં આવી રહી છે. આ દરમિયાન એરફોર્સ અને આર્ટિલરી યુન્ટિસ સેનાની મદદ કરી રહી છે. આઇડીએફએ ઓપરેશન કેટલો સમય ચાલશે તેની જાણકારી નથી આપી પણ કહ્યું છે કે આ ઓપરેશન માટે મહિનાઓથી તાલિમ ચાલી રહી છે. ઈઝરાયલી સેનાના કહેવા પ્રમાણે જે છાવણીઓને નિશાન બનાવવામાં આવીર હી છે તે ઈઝરાયલની સરહદ નજીકનાં ગામોમાં બની છે. જે ઉત્તર ઈઝરાયલમાં રહેતા લોકો માટે જોખમી છે. આ હુમલા રાજકીય મહોર લાગ્યા બાદ શરૂ કરવામાં આવ્યા છે અને હિઝબુલ્લાહ સામે નવા સ્તરનું યુદ્ધ ગણાવવામાં આવ્યું છે. આ પહેલાં અમેરિકી અધિકારીઓએ કહ્યું હતું કે ઈઝરાયલે હિઝબુલ્લાહ સામે એક નાના પાયે જમીની હુમલો શરૂ કર્યો છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રમુખ મેથ્યુ મિલરે કહ્યું હતું કે, ઈઝરાયલે અમેરિકાને તમામ બાબતોની સૂચના આપી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે આ અભિયાન સરહદ નજીક હિઝબુલ્લાહના સંસાધનોને ખતમ કરવા માટે ચલાવવામાં આવી રહ્યું છે. આઇડીએફએ કહ્યું છે કે, આ ઓપરેશન સ્થિતિને ધ્યાને લઈને શરૂ કરવામાં આવ્યું છે. ઈઝરાયલના રક્ષા મંત્રી યોવ ગેલેંટે કહ્યું હતું કે, લેબનોનની દક્ષિણી સરહદે યુદ્ધનો નવો તબક્કો ટૂંક સમયમાં શરૂ થશે. ત્યારબાદ હવે ઓપરેશન નોર્ધર્ન એરો શરૂ કરવામાં આવ્યું છે. ઈઝરાયલ તરફથી જમીની ઓપરેશન બાદ હિઝબુલ્લાહે પણ આક્રમક વલણ અપનાવ્યું છે. હિઝબુલ્લાહના ડેપ્યુટી લીડર શેખ નઇમ કાસિમે કહ્યું હતું કે, જો ઈઝરાયલ જમીનથી લેબનોનમાં પ્રવેશ કરે તો તેનો સામનો કરવા માટે પૂરી રીતે તૈયાર છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang