નવી દિલ્હી,
તા. 1 : સુપ્રીમ કોર્ટે આજે બુલડોઝર કાર્યવાહી પરની સુનાવણી દરમ્યાન જણાવ્યું હતું
કે, માર્ગની વચ્ચે ધાર્મિક નિર્માણ ખોટું છે. એ મંદિર હોય કે મસ્જિદ હોય, તેને હટાવવું
જ યોગ્ય છે. જાહેર સુરક્ષા સૌથી પહેલાં હોવી જોઈએ. ન્યાયાધીશ બી. આર. ગવઈ અને વિશ્વનાથનની
ખંડપીઠે કોઈ પણ શખ્સ આરોપી કે દોષી હોય તે કોઈ પણ બાંધકામ હટાવવાનો આધાર બની શકે નહીં.
દેશભર માટે એક માર્ગદર્શિકા જારી કરવામાં આવશે. અદાલતે બુલડોઝર કાર્યવાહી પર ચુકાદો
અનામત રાખ્યો હતો અને ત્યાં સુધી તેના પર રોક જારી રહેશે. સુપ્રીમે ફરી એકવાર સ્પષ્ટ
કર્યું હતું કે, ગેરકાયદે દબાણો હટાવવા પર કોઈ રોક નથી. માર્ગ હોય, રેલવેનું સ્થળ હોય,
ગેરકાયદે મંદિર કે દરગાહને હટાવવામાં જ આવશે. અમારા માટે જનતાની સુરક્ષા જ પ્રાથમિકતા
છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સરકારનો પક્ષ રાખતા સોલિસીટર જનરલ તુષાર
મહેતાએ કહ્યું હતું કે, બુલડોઝર કાર્યવાહીમાં સમુદાય વિશેષને નિશાન બનાવવાના આરોપ લાગી
રહ્યા છે, ત્યારે અદાલતે જણાવ્યું હતું કે, ભારત ધર્મનિરપેક્ષ દેશ છે. અમે જે ગાઈડલાઈન
બનાવશું તે દરેક માટે હશે. ન્યાયાધીશ કે. વી. વિશ્વનાથને કહ્યું હતું કે, ભલે ગેરકાયદે
નિર્માણ થયું હોય, બુલડોઝર કાર્યવાહી બાદ મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને માર્ગ પર જોવા
સારું લાગતું નથી. તેમને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાનો સમય મળવો જોઈએ.