• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ઇઝરાયલ પર ઇરાનનો મોટો હુમલો; 200 મિસાઇલ દાગી

નવી દિલ્હી, તા. 1 : ઇઝરાયલ દ્વારા લેબનોનની છાવણીમાં થઇ રહેલા હુમલાના વળતા જવાબમાં આજે રાત્રે ઇરાને 200થી વધુ બેલેસ્ટિક મિસાઇલ છોડીને ઇઝરાયલ સામે રીતસરનું યુદ્ધ છેડી દીધું છે. મધ્ય-પૂર્વમાં તનાવ પરાકાષ્ટાએ  પહોંચ્યો છે. આ મિસાઇલ હુમલાથી ઇઝરાયલને કોઇ ભારે નુકસાન ન થયાનું અને ઇઝરાયલી આયરન  ડોમે વધુ પડતી મિસાઇલો હવામાં જ બેઅસર કર્યાનો દાવો કર્યો?છે અને ઇઝરાયલી સેનાના પ્રવકતા ડેનિયલ હગારીને ચેતવણીના સૂરમાં  જણાવ્યું છે કે, આના ગંભીર પરિણામ ઇરાનને ભોગવવાં પડશે અને સમય આવે તેનો જવાબ અપાશે.આમ, આ મોટા હુમલાથી યુદ્ધનો નવો મોરચો ખુલ્યો છે. બીજી તરફ મોસાદનું વડું મથક ઉડાવ્યાનો ઇરાની મીડિયાએ દાવો કર્યો છે અને ઇઝરાયલી ટેન્કોને પણ નિશાન બનાવી છે. તેલ અવીવ, યેરુસલેમ અને અન્ય શહેરો પર રોકેટ વછૂટયા હતા, પરંતુ કેટલાંય નિશાન પર લાગ્યા ન હતા, જેના કારણે 80 ટકા મિસાઇલો ઇઝરાયલ દ્વારા હવામાં બેઅસર કરી દેવાયાં હતાં. જોકે, ઇઝરાયલની એમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા જાહેર થયેલી વિગતો મુજબ આ મિસાઇલ હુમલામાં તેલ અવીવમાં માત્ર બે લોકો જ ઘાયલ થયા છે. બાકી અમુક લોકો નાસભાગના લીધે ઘાયલ થયા છે. ઇઝરાયલ પરના આ મિસાઇલ હુમલા બાદ ઇરાને જાહેર કર્યું હતું કે, આ હુમલો હિઝબુલ્લાહના વડા હસન નસરુલ્લાહ અને હમાસના રાજનેતા ઇસ્માઇલ હાનિયાનાં મોતનો બદલો છે અને ચીમકી પણ આપી છે કે, જો ઇઝરાયલ જવાબી કાર્યવાહી કરશે તો તહેરાનની પ્રતિક્રિયા વધુ વિનાશકારી રહેશે. આ મિસાઇલ હુમલા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ બાયડને એક પોસ્ટ મારફત જણાવ્યું હતું કે, ઇઝરાયલને આ ઇરાની મિસાઇલના હુમલાથી બચાવવા તેમજ આ ક્ષેત્રમાં અમેરિકી સેના રક્ષા અર્થે મદદ માટે તૈયાર છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang