• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

ઈવીમાં સબસિડીની જરૂર નહીં : ગડકરી

નવી દિલ્હી, તા. 5 : દેશમાં ઈલેક્ટ્રોનિક વાહનો પર મળતી સબસિડીની હવે જરૂર નથી, લોકો આપમેળે તે તરફ વળી રહ્યા છે તેવું દિલ્હી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવવા સાથે પરિવહનના નિયમોમાં થતા ભંગ અંગે પણ નિરાશા વ્યક્ત કરી હતી. જો સબસિડી બંધ થાય તો ઈવી ખરીદતા ગ્રાહકો પર બોજો વધી શકે છે. એક મીડિયા હેવાલ મુજબ, બ્લૂમબર્ગ એનઈએફ શિખર સંમેલનમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, હવે ઈવીના નિર્માણમાં સરકારી સબસિડીની આવશ્યક્તા નથી રહી. ગ્રાહકો સ્વેચ્છાએ લઈ રહ્યા છે, તો ઓછો જીએસટી દર પણ પહેલાથી જ ફાયદો મળી રહ્યો છે, જેથી પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોની તુલનામાં ઈવી પરવડે છે. જો કે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે, જિવાશ્મિ ઈંધણની આયાતના સમાધાન અંગે વિચારવું જરૂરી છે તેમ જણાવી ગડકરીએ ઈવી પર સબસિડી બંધ થવાના સંકેત આપ્યા હતા. જો આવું થાય તો ગ્રાહકો પર બોજો વધી જશે. વર્લ્ડ સેફ્ટી કોન્ફ્રેન્સને સંબોધિત કરતા ગડકરીએ કહ્યું હતું કે, વાહનવ્યવહાર નિયમોને લાગુ કરવા માટે ટેક્નીકનો ઉપયોગ થઈ રહ્યો છે. ઉલ્લંઘન બદલ દંડની રકમ વધારવામાં આવી છે પણ લોકો નિયમોને ગંભીરતાથી લઈ રહ્યા નથી. સરકાર ક્યાં સુધી દંડની રકમ  વધારે ? આ એક સમસ્યા છે. જેને માનવ વ્યવહારમાં બદલાવથી ઉકેલી શકાય તેમ છે. 2019માં એક્ટમાં બદલાવની પણ ખાસ અસર પડી રહી નથી. ઉલ્લેખનીય છે કે 2019માં મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કર્યા હતા. જેમાં ભારે દંડની જોગવાઈ હતી. એક હેવાલ મુજબ પરિવહન નિયમોના ઉલ્લંઘનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang