નવી મુંબઈ, તા. 5 : `શિક્ષકદિન' નિમિત્તે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમભાઈ અદાણીએ મુંબઈ
ખાતે જય હિન્દ કોલેજના એક કાર્યક્રમમાં વકતવ્ય આપ્યું હતું. આ પ્રસંગની મુખ્ય થીમ `બ્રેકિંગ બાઉન્ડ્રીઝ : ધ પાવર ઓફ પેશન એન્ડ
અનકન્વેન્શનલ પાથ્સ ટુ સક્સેસ' રખાઈ હતી. ગૌતમ અદાણીએ કહ્યું હતું કે `આગળ વધીએ છીએ, સીમાઓ તોડીએ છીએ. મેં 16
વર્ષની વયે પ્રથમ વખત સીમા તોડી હતી. અમદાવાદ ખાતે ભણવાનું છોડીને મુંબઈ આવી ગયો હતો.
આજે પણ લોકો પૂછે છે કે હું અમદાવાદમાં ભણતર છોડીને મુંબઈ શા માટે આવી ગયો? મુંબઈ માત્ર
શહેર જ નથી. અહીં મારા ઉદ્યોગ માટેનું તાલીમી કેન્દ્ર પણ છે. મુંબઈમાં મેં મોટા વિચારો
રાખવાનું શીખ્યું હતું'. તેમણે કહ્યું હતું કે મેં 19 વર્ષની ઉંમરમાં મોટા ભાઈ સાથે
ઉદ્યોગ શરૂ કર્યો હતો. ત્યારે મને ભારતમાં વેપારના પડકારો સમજાઈ ગયા હતા.
1981થી 1991 દરમિયાન મને સ્પષ્ટપણે સમજાયું કે, લાયસન્સીંગ વ્યવસ્થામાં ઢીલ આપવાની
જરૂરિયાત છે. 2014માં નરેન્દ્ર મોદીના સત્તામાં આવ્યા બાદ ઘણા સુધારા થયા છે. આ વર્ષ
ભારત માટે સીમાચિહ્નરૂપ રહ્યું છે. મને અનુભવ થયો હતો કે, આ બદલતા ભારતનો પાયો છે.
કેન્દ્રમાં મોદી સરકારના આવવાના 2 વર્ષમાં જ અમે દેશના કારોબારી સંસ્થાન બની ગયા હતા.
તમે જે સ્વપ્ન જુઓ છો તેને જ સાકાર કરો છો. જેટલી મોટી સીમાઓ તમે તોડો છો સ્પર્ધા તેટલી
જ ઓછી થતી જાય છે. વર્તમાન પરિસ્થિતિઓને વખોડવી સહેલી છે, પણ તેને સુધારવી ખૂબ જ મુશ્કેલ
છે, પરંતુ જે મુશ્કેલીઓ પાર કરે છે. તેને જ સફળતા મળે છે. દરેક વ્યક્તિ માટે સફળતાના
નુસખાઓ અલગ હોય છે. મારી સફળતાનો નુસખો એક જ છે - ઝનૂન અને ભિન્ન રસ્તા પર ચાલવાની
શક્તિ જ મારી સફળતાનો નુસખો છે.