• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

ભારતમાં અનેક સિંગાપોર બનાવશું : મોદી

નવી દિલ્હી, તા. 5 : સિંગાપોરની બેદિવસીય યાત્રાએ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ત્યાંની સંસદમાં વડાપ્રધાન લોરેંસ વોંગને મળ્યા હતા. સંસદમાં ઉષ્માસભર સ્વાગત વચ્ચે મોદીએ કહ્યું હતું કે, ભારતમાં અમે અનેક સિંગાપોર બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. બન્ને નેતા વચ્ચે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત દરમ્યાન સેમિકંડક્ટર ડિઝાઈનિંગ, ઉત્પાદન તેમજ ક્લસ્ટર વિકાસ માટે સહયોગ સહિત કુલ ચાર મહત્ત્વના સમજૂતીકરાર કરાયા હતા. છેલ્લા કેટલાક દાયકાઓથી સેમિકંડક્ટર ક્ષેત્રે વિશ્વભરમાં મહત્ત્વનાં મથક બની ગયેલાં સિંગાપોર સાથે કરારથી વૈશ્વિક સ્પર્ધામાં આગળ વધવા માટેની બન્ને દેશની ક્ષમતા વધશે. ડિજિટલ ક્ષેત્રમાં સહયોગ પર પણ સમજૂતીકરાર થયો હતો. આ કરાર હેઠળ બન્ને દેશ ડિજિટલ ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઈંટેલિજન્સ અને સાયબર સુરક્ષાનાં ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરશે. એ સિવાય આરોગ્ય સેવાઓમાં સુધારા તેમજ ટેક્નોલોજીના સહયોગને વધારવાના કરાર હેઠળ બન્ને દેશ આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં વૃદ્ધિ અને આ ક્ષેત્રની સમસ્યાઓનું સમાધાન સાથે મળીને કરશે. બેય દેશ વચ્ચે કૌશલ્ય વિકાસનાં ક્ષેત્રમાં પણ સમજૂતીકરાર પર હસ્તાક્ષર થયા હતા. આ કરાર હેઠળ યુવાનોને નવી ટેકનિક, ટેક્નોલોજીનું શિક્ષણ તેમજ ઊભરતા ઉદ્યોગો માટે જરૂરી કૌશલ્યવાળા યુવાનો  ઊભા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. આ ચાર મહત્ત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર જે પ્રતિનિધિ મંડળ સ્તરની ચર્ચામાં કરાયા હતા, તેમાં ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજ્જિત દોભાલ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોદીએ કહ્યું હતું કે, સિંગાપોર એક્ટ ઈસ્ટ નીતિનું સૂત્રધાર પણ છે. લોકતાંત્રિક મૂલ્યોનો વિશ્વાસ બન્ને દેશને જોડે છે. તેઓને ખુશી છે કે ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં જ સિંગાપોરની મુલાકાતની તક મળી છે. આ રણનીતિક ભાગીદારીને એક દશક પૂરું થયું છે. છેલ્લાં 10 વર્ષમાં વ્યાપાર બમણાથી પણ વધ્યો છે. પરસ્પરનું રોકાણ વધીને 150 અબજ ડોલરને પાર પહોંચ્યું છે. સિંગાપોર પહેલો દેશ હતો જેની સાથે યુપીઆઈ શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લાં 10 વર્ષમાં સિંગાપોરના 17 સેટેલાઈટ ભારતથી લોન્ચ કરવામાં આવ્યા છે. કૌશલ્ય વિકાસથી લઈને રક્ષા ક્ષેત્ર સુધી બન્ને દેશમાં સહયોગને રફતાર મળી છે. સિંગાપોર એરલાઈન્સ અને એર ઈન્ડિયા વચ્ચેની સમજૂતીથી કનેક્ટિવિટીને બળ મળ્યું છે. તેઓને ખુશી છે કે બન્ને દેશ મળીને સંબંધોને સમગ્ર રણનીતિક ભાગીદારીનું રૂપ આપી રહ્યા છે. સિંગાપોરમાં રહેનારા 3.5 લાખ ભારતીય મૂળના લોકો સંબંધોનો મજબૂત પાયો છે. સુભાષચંદ્ર બોઝ, આઝાદ હિંદ ફૌજ અને લિટલ ઈન્ડિયાને સિંગાપોરમાં જે સ્થાન અને સન્માન મળ્યું છે તેના માટે પૂરા સિંગાપોરના આભારી છીએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang