નવી દિલ્હી, તા. 4 : બ્રુનેઈની રાજધાની બાંદર સેરી બેગાવાન અને
ભારતના ચેન્નઈ વચ્ચે સીધી વિમાન સેવા શરૂ થશે. આ એલાન પીએમ મોદીની બ્રુનેઈની યાત્રા
દરમિયાન કરવામાં આવ્યું હતું. સીધી વિમાન સેવા ઉપરાંત બન્ને દેશે રક્ષા, અંતરિક્ષ અને
લોકોથી લોકો વચ્ચેના સંબંધના ક્ષેત્રમાં પણ પરસ્પર સહયોગ વધારવા માટે સહમતી વ્યક્ત કરી છે. મોદીએ આ યાત્રા અંગે ખુશી
વ્યક્ત કરી હતી. `એકસ' પર ટ્વિટમાં
તેમણે જણાવ્યું હતું કે, સુલતાન હાજી હસનલ બોલકિયાને મળી ખુશી થઇ. અમારી વાતચીત વ્યાપક
હતી. અમે વ્યાપાર સંબંધો, વાણિજ્યિક સંપર્કો અને લોકોના લોકો વચ્ચેના આદાન-પ્રદાનને
વિસ્તારવા જઇ રહ્યા છીએ. અધિકારીઓએ જણાવ્યું કે મોદીની આ ઐતિહાસિક યાત્રા બંને દેશ
વચ્ચેના 40 વર્ષ જૂના સંબંધમાં સીમાચિહ્ન રૂપ છે. પીએમ મોદીની યાત્રા દરમિયાન બન્ને
દેશ વચ્ચે થયેલી સમજૂતીથી ભવિષ્યમાં દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થવાનું અનુમાન છે.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે ભારત અને બ્રુનેઈએ સેટેલાઈટ અને લોન્ચિંગ
વાહનો માટે ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને ટેલિકમાન્ડ સ્ટેશનના સંચાલનમાં સહયોગ માટે એમઓયુ
ઉપર હસ્તાક્ષર કર્યા છે. પીએમ મોદી અને બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલકિયાએ બુધવારે
એક દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો મામલે ચર્ચા કરવામાં આવી
હતી, જેમાં બન્ને નેતાઓએ બાંદર સેરી બગાવાનથી ચેન્નઈ વચ્ચે સીધી વિમાન સેવા શરૂ થવાના
નિર્ણયનું સ્વાગત કર્યું હતું.