• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

બાંગલાદેશમાં અજંપો ; ભારતની સચિંત નજર

સંસદમાં વિદેશમંત્રીનું નિવેદન : હિન્દુઓ પર હુમલા ચિંતાજનક : ભારતીયોના વાપસીના પ્રયાસો : વિપક્ષ સરકાર સાથે - આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 6 : બાંગલાદેશમાં બળવા બાદ અરાજકતા અને અંધાધૂંધી પર ભારતની બારિક નજર છે. ત્યાં હિન્દુ સહિતના લધુમતી સમુદાયોને નિશાન બનાવાઇ રહ્યા છે, એ ચિંતાજનક છે. કેન્દ્ર સરકાર બાંગલાદેશના ભારતીય સમુદાયના સંપર્કમાં છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ભારતની સૌથી મોટી ચિંતા ત્યાંના 19 હજાર ભારતીયોની છે, એમ વિદેશ પ્રધાન એસ. જયશંકરે સંસદમાં આજે જણાવ્યું હતું. આજે સંસદમાં વિદેશ પ્રધાને બાંગલાદેશના રાજકીય સંકટ અને ભારત સરકારનાં વલણ સંબંધે માહિતી આપી હતી. જયશંકરે જણાવ્યું હતું કે, બાંગલાદેશમાં અજંપો છે, લોકો સડકો પર છે. હિન્દુ સહિતના લઘુમતી સમુદાયો પર હુમલાની ચિંતાજનક ઘટનાઓ સામે આવી છે. હાલાત પર ભારત સરકારની નજર છે. ભીડ પોલીસ પર પણ હુમલા કરી રહી છે, જેના કારણે કેટલાય વિસ્તારોમાં સ્થિતિ નિયંત્રણની  બહાર છે.  વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે, ગઇકાલે બાંગલાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું  આપ્યા બાદ તત્કાળ ભારત આવવાની મંજૂરી માગી હતી. તેઓ બાંગલાદેશના સેનાના હેલિકોપ્ટરમાં ગાઝિયાબાદના હિંડન એરપોર્ટ પર આવ્યા હતા અને વિકટ પરિસ્થિતિમાં એમને આપણે મંજૂરી આપી હતી. બાંગલાદેશમાં 9000 જેટલા વિદ્યાર્થીઓ સહિત 19,000 જેટલા પ્રવાસી ભારતીયો હોવાનું વિદેશ પ્રધાને જણાવ્યું હતું. સરકાર ભારતીય સમુદાય અને દૂતાવાસના સંપર્કમાં છે અને બાંગલાદેશના સંબંધિત અધિકારીઓ સાથે વિવિધ સ્તરે સંપર્કમાં છે. ભારતીયોને પૂરતી સુરક્ષા આપવાની અપિલ અને સૂચના આપવામાં આવી છે. ઢાકા દૂતાવાસની સૂચનાના આધારે કેટલાય ભારતીય વિદ્યાર્થીઓ ગયા મહિને સ્વદેશ પરત આવી ગયાનું પણ જયશંકરે જણાવ્યું હતું. આ પહેલાં બપોરે બાંગલાદેશની પરિસ્થિતિ સંબંધે સર્વપક્ષીય બેઠક મળી હતી, જેમાં વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે, બાંગલાદેશમાં ફસાયેલા ભારતીયો તેમજ ત્યાંના લઘુમતી સમુદાયના સંપર્કમાં રહીને સરકાર સુરક્ષા સંબંધી માહિતી મેળવી રહી છે. બાંગલાદેશના સુરક્ષા અધિકારીઓ સાથે પણ સરકાર સંપર્કમાં છે અને સ્થિતિ પર બારિક નજર રાખવામાં આવી રહી છે. સરહદે સ્થિતિ નિયંત્રણમાં છે અને સુરક્ષા વધુ મજબૂત કરવાનાં પગલાં લેવાઇ રહ્યાં છે. શેખ હસીના આઘાતમાં છે અને તેમની સાથે વાતચીત કરતાં પૂર્વે સરકાર તેમને થોડો સમય આપવા માગે છે. બાંગલાદેશ સેનાના વડા સાથે ત્યાંના 10,000 ભારતીય છાત્રની સુરક્ષા અને હિન્દુઓ પર હુમલા મુદ્દે વાતચીત થઇ છે. બાંગલાદેશમાં ઢાકામાં રાજદૂત ઉપરાંત ચિત્તાગોંગ, રાજશશી, ખલના અને સિલહટ જેવા મોટા શહેરોમાં પણ ભારતના દૂતાવાસ છે. આ તમામ દૂતાવાસો સાથે સરકાર સતત સંપર્કમાં છે અને ભારતીયોના જાનમાલની સુરક્ષા સ્થિતિ-પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. દૂતાવાસોનાં માધ્યમથી એમને જોઇતી અને બનતી મદદ બાંગલાદેશની સુરક્ષા એજન્સીઓ તરફથી થઇ રહી છે. બાંગલાદેશમાં હજુ અશાંતિ છે અને લધુમતીઓને નિશાન બનાવાયાની ઘટનાઓ સામે આવી રહી છે. સર્વપક્ષીય  બેઠકમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓએ કહ્યું હતું કે, બાંગલાદેશની પરિસ્થિતિ પર ભારત સરકાર અને વિદેશ મંત્રાલયની કામગીરીને તેઓ સાથ-સહકાર આપશે. સરકારે અત્યાર સુધી જે રીતે આ મામલે પ્રતિક્રિયા આપી છે એ સંતોષજનક હોવાનું પણ વિપક્ષે કહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અને કે.સી. વેણુગોપાલ, તૃણમૂલના સુદીપ બંદોપાધ્યાય, એનસીપી (શરદચંદ્ર પવાર) તરફથી સુપ્રિયા સુળે અને બીજેડીના સસ્મિત પાત્રા સહિતના વિપક્ષના નેતાઓ હાજર હતા.  - બાંગલાદેશ ખાતે હિન્દુઓના મંદિર, ઘર, દુકાનો પર હુમલા : બાંગલાદેશ, તા. 6 : બાંગલાદેશમાં ભયાનક હિંસા અને આક્રોશનાં વાતાવરણ વચ્ચે લાખો લઘુમતી હિન્દુઓ ભયમાં જીવી રહ્યા છે. શેખ હસીનાએ વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દેશ છોડયા બાદ ઢાકામાં મોટાં પ્રમાણમાં લૂંટફાટ થઈ હતી. અલ્પ સંખ્યકોનાં ઘરોને નિશાન બનાવીને હુમલો કરાયો હતો અને મંદિરને આગ ચાંપી દીધી હતી. બાંગલાદેશના એક અખબારી અહેવાલ મુજબ 27 જેટલા જિલ્લામાં હિન્દુઓનાં ઘર અને દુકાનો તથા વ્યાપારિક સ્થાનો પર હુમલો કરીને તેમનો કિંમતી સામાન ઝૂંટવી લેવામાં આવ્યો હતો. ખુલના ડિવિઝન સ્થિત મેહરપુરમાં એક ઈસ્કોન મંદિર અને એક કાલી મંદિરમાં તોડફોડ કરી અને આગ ચાંપવામાં આવી હતી. ઈસ્કોનના પ્રવક્તા યુધિષ્ઠિર ગોવિંદ દાસે ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે, `મેહરપુરમાં ઈસ્કોન કેન્દ્ર સળગાવાયું હતું, જેમાં ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રાદેવીનો સમાવેશ થતો હતો. કેન્દ્રમાં રહેતા ત્રણ ભકત ભાગવામાં સફળ થયા હતા. બાંગલાદેશમાં એક હિન્દુ કાર્યકરે શેર  કરેલા એક વીડિયોમાં પીરોજપુર જિલ્લામાં ફસાયેલી એક યુવતી સહાય માટે ચીસો પાડતી નજરે પડી રહી છે. અન્ય એક વીડિયોમાં ચટગાંવના નવગ્રહ બારીમાં એક મંદિરને હિંસકો દ્વારા સળગાવાતું જોઈ શકાય છે. બાંગલાદેશ હિન્દુ બૌદ્ધ ઈસાઈ એકતા પરિષદની `એક્સ' (ટ્વિટર) પર પોસ્ટમાં હિન્દુ સમુદાયનાં મંદિરો, ઘરો અને પ્રતિષ્ઠાનો પર 54 હુમલાને સૂચિબદ્ધ કરાયા છે, જેમાં ઈન્દિરા ગાંધી સાંસ્કૃતિક કેન્દ્રનો પણ સમાવેશ કરાયો છે. જે ભારત-બાંગલાદેશ વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનને મહત્ત્વ આપે છે. હિન્દુ સંગઠન ઓઈક્યાના મહાસચિવ મોનિંદુએ કહ્યું હતું કે, હિન્દુઓ પર હુમલાનો ભય છે તેઓ રડી રહ્યા છે. તેમને પીટવામાં આવી રહ્યા છે. વ્યવસાય લૂંટાઈ રહ્યા છે. તેઓ પૂછે છે અમારી ભૂલ શું છે? અમે આ દેશના નાગરિક છીએ. હુમલા સતત ચાલુ જ રહ્યા તો અમે ક્યાં જઈશું?  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang