ભુજ, તા. 5 :
ડોલર ઈન્ડેક્સમાં મજબૂતાઈ, જાપાન દ્વારા વ્યાજદર વધારો, ચીનમાં મંદીનો ભય, અમેરિકી
ફેડ વ્યાજદર ઘટાડવા ઈમર્જન્સી બેઠક બોલાવી શકે તેવી શક્યતા, ઈઝરાયલ-ઈરાન યુદ્ધની તંગદિલી
જેવા વૈશ્વિક કારણોસર બુલિયન બજારમાં કડાકો બોલી જતાં સ્થાનિક બજારમાં ચાંદીમાં રૂા.
3900 અને સોનામાં 850નો ઘટાડો નોંધાયો હતો, તો રૂપિયો પણ ગબડી 84.20ની સપાટીએ પહોંચ્યો
હતો. જાપાનની રિઝર્વ બેંક દ્વારા વ્યાજદર વધારો કરાતાં, ચીનમાં મંદી સર્જાવાનો ભય,
અમેરિકી ફેડ દ્વારા ગમે ત્યારે વ્યાજદર કાપ આવી શકે તેવી સંભાવના તેમજ ઈઝરાયલ અને ઈરાન,
હમાસ વચ્ચે
સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિ થકી હેજફંડોની ગભરાટભરી નફારૂપી વેચવાલી નીકળતાં બુલિયન
બજારમાં બંને કિંમતી ધાતુમાં જોરદાર કડાકો બોલી ગયો હતો. આજના ગાબડાને પગલે સ્થાનિક
બુલિયન બજારમાં દસ ગ્રામ સોનું 999ના ભાવોમાં
રૂા. 850નો ઘટાડો થઈ 71,800 રહ્યા હતા, તો ચાંદીમાંયે રૂા. 3900નો મોટો ઘટાડો
થઈ 79,800ના ભાવ રહ્યા હતા.