• બુધવાર, 31 મે, 2023

કાલે પાકિસ્તાનમાં વલ્લભ સંપ્રદાયના આચાર્ય ગુરુમંદિરમાં માંગલિક ફરમાવશે

ભુજ, તા. 26 : આઝાદી પછી પ્રથમવાર પગપાળા પાકિસ્તાન પહોંચેલા વલ્લભ સંપ્રદાયના ગચ્છાધિપતિ ધર્મધુરંધરસૂરિ મહારાજે લાહોરના સરકારી મ્યુઝિયમમાં આત્મારામજી મહારાજની ચરણ પાદુકાના 22મીએ દર્શન કરી ગુરુદેવ આત્મારામજી મહારાજની 128મી પુણ્યતિથિએ તા. 28 મેના તેમના સમાધિ મંદિર ગુજરાનવાલા ખાતે દર્શન કરી માંગલિક ફરમાવશે. જૈન હેરિટેજના સહયોગથી આ કાર્યક્રમ આયોજિત કરાયો છે. આઝાદીના અમૃત મહોત્સવમાં ભારત સરકાર અને પાકિસ્તાન સરકારે રસ દાખવતાં ગચ્છાધિપતિ સાથે મુનિરાજ ઋષભચંદ્ર વિજયજી, ધર્મકીર્તિવિજયજી, મહાભદ્રવિજયજી સહિત 22 લોકોએ અટારી વાઘા બોર્ડરથી લાહોર તરફ પાકિસ્તાનની એક મહિનાની પગપાળા યાત્રા આરંભી હતી. ઉલ્લેખનીય છે કે, વલ્લભૂરિ મ.સા. એ વડોદરાના પનોતા પુત્ર હતા. તેમનો જન્મ જાની શેરીમાં થયો હતો. 1947માં તેઓ તે વખતના પાકિસ્તાનમાં આવેલા ગુજરાનવાલામાં ચાતુર્માસમાં હતા ત્યારે દેશના તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલે આચાર્યને હિન્દુસ્તાન પરત આવી જવા વિનંતી કરી હતી. ત્યારે વલ્લભસૂરિ મહારાજે કહ્યું કે, મારી સાથે બીજા સાધુ -સાધ્વી તથા જૈન શ્રાવક -શ્રાવિકાઓ અને હિન્દુ લોકો છે. તેમને હું મૂકીને કેવી રીતે આવી શકું. તેથી જો તમે અમને બધાને  લઇ જવાની વ્યવસ્થા કરો તો હું અહીંયાથી આવીશ. એ પછી સરદાર પટેલે સૈન્યની વ્યવસ્થા કરી પરત લાવ્યા હતા. આમ આઝાદીના 75 વર્ષમાં કોઇપણ જૈન સાધુએ પાકિસ્તાનમાં વિહાર કર્યો નથી તેવું જૈન અગ્રણી મહેશ પ્રભુલાલ મહેતાની યાદીમાં જણાવાયું હતું.