• બુધવાર, 31 મે, 2023

ગાંધીધામમાં જાહેરમાં ઘાસચારો વેચતા લોકો પાસેથી પાલિકાએ ચારો કર્યો જપ્ત

ગાંધીધામ, તા. 25 : આ શહેર અને સંકુલમાં રખડતા આખલાઓની સમસ્યાનાં પગલે નગરપાલિકાએ આજે જાહેરમાં ઘાસચારો વેચતા લોકો પાસેથી ઘાસ જપ્ત કરી ગૌશાળામાં આપી આવ્યા હતા. આ કામગીરીના થોડા સમય બાદ જ ઘાસચારો વેચતા લોકો ફરીથી પોતાની જગ્યાએ ગોઠવાઇ ગયા હતા. આવા લોકો વિરુદ્ધ ફોજદારી રાહે પગલાં લેવાની માંગ ઊઠી હતી. શહેરનાં સુંદરપુરી વિસ્તારમાં એક વૃદ્ધનું આખલાઓની હડફેટે મોત થતાં આ પ્રકરણમાં નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવને પગલે પાલિકામાં રીતસર દોડધામ થઇ પડી હતી અને બનાવના બીજા જ દિવસે આખલા પકડવાની કામગીરીનો પ્રારંભ કરાયો હતો. સાથોસાથ જાહેરમાં ઘાસચારો વેચતા લોકોએ જાહેરમાં ઘાસચારો ન વેચવા પાલિકા દ્વારા ચીમકી આપવામાં આવી હતી. તેમ છતાં કોઇ ઘાસચારો વેચતા જણાશે તો કાયદેસરની કાર્યવાહીની ચીમકી પણ આપવામાં આવી હતી. આવી ચીમકીઓ બાદ પાલિકા પાણીમાં બેસી ગઇ હતી. આજે સંકુલમાં જુદી જુદી જગ્યાએ પાલિકાની ટીમો પહોંચી ગઇ હતી અને જાહેરમાં ઘાસચારો વેચતા લોકો પાસેથી ચારો એકત્ર કરી શનિદેવ મંદિર પાસેની ગૌશાળામાં આપી દેવામાં આવ્યો હતો. આ કામગીરીના થોડા સમય બાદ ઘાસચારો વેચતા લોકો ફરીથી પોતાની જગ્યાએ ગોઠવાઇ ગયા હતા અને ચારો વેચવાનું ચાલુ રાખ્યું હતું. જો આવા લોકો વિરુદ્ધ ફોજદારી રાહે કામગીરી નહીં કરવામાં આવે, તો આગામી સમયમાં ફરીથી કોઇ યુવાન, વૃદ્ધ, મહિલા આવા આખલાઓની હડફેટે ચડશે અને પોતાનો જીવ ખોઇ બેસશે તેવી ભીતિ લોકોએ વ્યક્ત કરી હતી.