ગાંધીધામ, તા. 20 : શહેરના કાર્ગો પી.એસ.એલ. ઝૂંપડા વિસ્તારમાં નાના દુકાનદાર એવા યુવાન સુનીલકુમાર મહંતોની હત્યા નિપજાવનારા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. કાર્ગો વિસ્તારમાં શિવાની કટલેરી નામની દુકાન ચલાવતા સુનીલ મહંતો અને ફરિયાદી એવા તેમના પત્ની મમતાદેવી ગઇકાલે બપોરે દુકાને હતા, ત્યારે પૈસાની ઉઘરાણી બાબતે આરોપી કુંદન યાદવ ત્યાં આવી યુવાન સાથે ઝપાઝપી કરી બાદમાં છરી કાઢી યુવાન ઉપર આડેધડ હુમલો કર્યો હતો. જીવલેણ હુમલામાં ઘવાયેલા યુવાને છેલ્લા શ્વાસ લીધા હતા. હત્યાના બનાવને પગલે દોડતી થયેલી પોલીસે આરોપીને શોધી કાઢી તેની આજે વિધિવત્ રીતે ધરપકડ કરી હતી. તેની પાસેથી હત્યામાં વપરાયેલ હથિયાર કબજે કરવા સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.