ભુજ, તા. 20 : કચ્છમાં લાખો એકર જમીનમાં ઉત્ખનન કરી માટી (મોરમ) મોરબી વેંચી કમાણી કરનારા ભૂમાફિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા વાગડ માનવ વિકાસ ટ્રસ્ટ (ગાગોદર) દ્વારા માગણી કરાઇ છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષકુમાર સંઘવીને લખેલા પત્રમાં ટ્રસ્ટ અને સહયોગી સંસ્થાઓ વતીથી પ્રમુખ ધારાભાઇ ભરવાડે જણાવ્યું હતું કે કચ્છમાં 22 લાખથી વધારે પશુઓ છે અને 10 તાલુકામાં 11 લાખ માલધારીઓ વસવાટ કરી રહ્યા છે ત્યારે લાખો એકર જમીનમાં ગેરકાયદેસર મોરમ (માટી)નું ઉત્ખનન કરી ભૂમાફિયાઓ કમાણી કરતાં હથિયાર તથા ગાડીઓ માલધારીઓ પર ચડાવી ધમકાવે છે. આવા તત્ત્વો સામે કાર્યવાહી કરવાની સત્તા સ્થાનિક પોલીસને મળે તેવી પત્રમાં માગ કરાઇ છે. તાજેતરમાં હત્યા પ્રકરણમાં રાજકારણ છે. માલધારીઓ પાસે ઘેટાં, બકરાં, ગાયની લૂંટ થાય છે ત્યારે જવાબદારો સામે કાર્યવાહી થાય અને માલધારીઓને સ્વરક્ષણ માટે હથિયાર પરવાનો અપાય તેમજ આઇ.જી. તેમજ જિલ્લા પોલીસવડાને ગુનો નોંધવા સત્તા આપવા પત્રમાં માંગ કરાઇ છે.