• શનિવાર, 12 ઑક્ટોબર, 2024

કંડલામાં બે ટેન્કર ટકરાતાં વાલ્વ લીકેજ થતાં આગ લાગી: ગંભીર દુર્ઘટના ટળી

ગાંધીધામ, તા. 28 : ઓઈલ ઈન્સ્ટોલેશન અને બારૂદના ઢેર ઉપર બેઠેલા કંડલામાં આજે બપોરના અરસામાં એલ.પી.જી. ભરેલા બે ટેન્કર વચ્ચે અકસ્માત બાદ આગ ભભૂકી ઊઠતાં ભારે દોડધામ થઈ પડી હતી. જો કે, ડીપીએઁના ફાયર ફાઈટર વિભાગે કામગીરી કરીને આગ વધુ અટકાવી દીધી હતી. આ બનાવમાં એક જણને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે બીજા બે જણને હળવી ઈજાઓ પહોંચી હતી. આઈ.ઓ.સી.એલ.ના એલ.પી.જી. ટર્મિનલ પાસે આજે બપોરે 1.30 વાગ્યાના અરસામાં  એલ.પી.જી. ટર્મિનલ પાસે આ બનાવ બન્યો હતો. બે ખાલી ટેન્કર એલ.પી.જી. ભરવા માટે  ટર્મિનલની અંદર જતાં હતાં. આ દરમ્યાન ગંભીર રીતે ઘવાયેલ ચાલક ઓમપ્રકાશ સોહર ઉર્ણવ ત્યાંથી પસાર થયેલી બાઈકને બચાવવા ગયો હતો, જેથી સ્ટીયરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો અને અન્ય એલ.પી.જી.નાં ટેન્કર સાથે ધડાકાભેર અથડાયું હતું. ટેન્કરોની ટક્કરનાં કારણે વાલ્વ લીકેજ થતાં અંદર રહેલો થોડો ગેસ લીકેજ થતાં આગ લાગી હતી. જેના કારણે કેબિનમાં ફસાયેલો હતભાગી ચાલક દાઝી પણ ગયો હતો.બનાવનાં પગલે લોકોમાં ભારે દોડધામ થઈ પડી હતી.  તાત્કાલિક ડીપીએના ફાયર ફાઈટરોને જાણ કરાઈ હતી. અગ્નિશમન દળ દ્વારા તાત્કાલિક લાગેલી આગને કાબૂમાં લીધી હતી અને સતત બે કલાક સુધી કામગીરી કરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. ડીપીએના ફાયર ઓફિસર અસીમ ચક્રવર્તીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા કામગીરી કરાઈ હોવાનું પ્રવકતા ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું. એલ.પી.જી. ટર્મિનલ પાસે જ અકસ્માતનાં કારણે આગ લાગતાં ચકચાર પ્રસરી હતી.જો ત્વરિત કામગીરી કરવામાં ન આવી હોત તો ગંભીર દુર્ઘટના સર્જાત તેવી ભીતિ જાગૃતોએ વ્યકત કરી હતી. કંડલા ફાયર ફાઈટર વિભાગમાં પમ્પ ઓપરેટર કમ ડ્રાઈવરની અછત છે. આ મામલે તાજેતરમાં જ કુશળ અકુશળ સંગઠન દ્વારા  રજૂઆત કરવામાં આવી હતી. આજના બનાવ સમયે પણ ઓઈલ જેટીમાં ડયુટી ઉપર રહેલા ત્રણ ઓપરેટરોને બોલાવીને કામગીરી કરવામાં આવી હતી.. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang