ભુજ, તા. 9 : લોકોમાં અંધવિશ્વાસ ફેલાવી
ધંધામાં બરકત તથા જિંદગીમાંથી નડતર દૂર કરવા ધાર્મિકવિધિના બહાને લોકોને ખંખેરતી ત્રિપુટીને
પદ્ધર પોલીસે ઝડપી પાડી છે. આ અંગે ડીવાયએસપી ડો. વિશ્વા શાહે પત્રકારોને આપેલી માહિતી
તથા પદ્ધર પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ પદ્ધર પોલીસને બાતમી મળી હતી કે, એક મારુતિ અલ્ટો કાર નં. જી. જે.- 17-સી-8608માં ત્રણ ઈસમ શંકાસ્પદ રીતે
ફરી રહ્યા છે, જેમાં એક ઈસમ ત્રીવેશ ધારણ
કરી પોતે વિશેષ શક્તિઓ ધરાવતો હોવાનો ભાસ ઊભો કરી લોકોને વિશ્વાસમાં લઈ લીધા બાદ ધંધામાં
બરકત અને જિંદગીમાંથી નડતર દૂર કરવાના બહાને લોકો પાસેથી રૂપિયા અને કિંમતી વસ્તુઓ
મેળવે છે. આ બાતમીના આધારે પદ્ધર પોલીસને ટીમે
તુરંત જ ત્રણે ઈસમ અરવિંદનાથ ઉર્ફે ફક્કો જીવણનાથ પરમાર (રહે. તરઘડી, તા. પડધરી, જિ. રાજકોટ), બળવંતભાઈ
હીરાભાઈ વાદી (રહે. કંબોઈ, તા. કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા) અને પરબત નથભુભાઈ રાઠોડ (રહે. હરમડિયા, તા. ગોંડલ, જિ. રાજકોટ)ને પકડી પૂછપરછ અને તપાસ હાથ ધરી
હતી. તપાસ દરમ્યાન બહાર આવેલી વિગતો મુજબ આ ત્રિપુટી અલગ-અલગ ગામોમાં જઈ લોકોને મળીને
ધંધામાં બરકત ન હોવી, ઘરમાં દુ:ખ રહેતું હોય, નડતર અથવા અન્ય દુ:ખ-તકલીફો દૂર કરી આપવાનો વિશ્વાસ અપાવતા હતા. આ બાદ આ માટે
ખાસ વિધિ અથવા પૂજા કરવી જરૂરી હોવાનું જણાવી લોકોને ધૂતી તેઓ પાસેથી રોકડ રકમ તેમજ વિધિ માટે જરૂરી સામગ્રી મેળવતા હોવાનું પ્રાથમિક
તપાસમાં બહાર આવ્યું છે. પદ્ધર પોલીસે ત્રિપુટી પાસેથી રોકડા રૂા. 17,240, ચાર મોબાઈલ કિં. રૂા. 15,500, ઘીનો ડબ્બો કિં. રૂા. 400, શ્રીફળ અને અલ્ટો કાર કિં.
રૂા. એક લાખ એમ કુલે રૂા. 1,32,740નો
મુદ્દામાલ કબજે લીધો હતો. આ ત્રણેનો ગુનાહિત ઈતિહાસ ચકાસતાં મુખ્ય સૂત્રધાર એવા અરવિંદનાથ
ઉપર ગુજરાતના વિવિધ પોલીસ મથકોમાં કુલ મળીને અગિયાર ગુના નોંધાયેલા છે, જ્યારે ત્રીવેશ ધારણ કરનાર પરબત ઉપર પણ ત્રણ
અને બળવંત ઉપર પદ્ધર પોલીસમાં એક ગુનો અગાઉ નોંધાઈ ચૂકયો છે. આમ ત્રણેનો ગુનાહિત ઈતિહાસ
ખરડાયેલો છે. આ કામગીરીમાં પદ્ધરના પીઆઈ એ. ડી. ખાંટનાં માર્ગદર્શન હેઠળ એ. એસ. આઈ.
કૃષ્ણદેવસિંહ ગોહિલ, રામસંગજી સોઢા, કોન્સ.
શિવભદ્રસિંહ રાણા, બળદેવભાઈ રબારી જોડાયા હતા.