ભુજ, તા. 8 : ગત તા. 20/8/20ના કાર નં. જી.જે. -12-ડી.જી.-9353માં
અમૃતલાલ કુંવરજી ઠક્કર, ભુદરલાલ
કુંવરજી ઠક્કર તથા પાર્વતીબેન ભુદરલાલ ઠક્કર કચ્છ તરફ પરત આવતા હતા ત્યારે સામખિયાળી
ધોરીમાર્ગ પર ટ્રેઈલર નં. જી.જે.-12-બી.ડબલ્યુ.-5841થી અકસ્માત થતાં તેઓના સ્થળ પર જ મૃત્યુ થયાં હતાં, જેમાં વારસોને 2.54 કરોડ વ્યાજ સહિત ચૂકવવા બંને વીમા કંપની સામે ભુજ ટ્રિબ્યુનલે
મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. ભુજ
ટ્રિબ્યુનલ સમક્ષ વારસોએ જુદી જુદી ત્રણ વળતરની અરજી કરતાં ટ્રિબ્યુનલે સ્વ. અમૃતલાલના
વારસોને રૂા. 1,57,61,000,
સ્વ. ભુદરલાલના વારસોને રૂા. 58,77,000 તથા સ્વ. પાર્વતીબેનના વારસોને રૂા. 38,43,000 ખર્ચ તેમજ વળતરની અરજી રજૂ કર્યાની તારીખથી નવ ટકાના
વ્યાજ સહિત કુલ્લે રૂા. 2,54,81,000 ચૂકવી આપવા બંને
વાહનોની વીમા કંપની સામે હુકમ કર્યો છે. રસ્તાની વચ્ચે કોઇ પણ જાતનાં વાહન પાર્ક કરવાના
સ્થાપિત નિયમોનું પાલન ન કરી અને સ્થળ પર પાર્ક કરેલી ટ્રકની દેખરેખ માટે પણ કોઇને
હાજર ન રાખી બેદરકારીના મુદ્દા પરની છણાવટ સાથે નિર્ણય લીધો હતો. વિશેષમાં મૃતક અમૃતલાલભાઇ
તથા ભુદરલાલભાઇની અંગત આવક તેમજ હિન્દુ અવિભક્ત કુટુંબની આવક ગણતરી લેવા માટે સુપ્રીમ
કોર્ટ અને હાઇકોર્ટના અન્ય ચુકાદાઓ પ્રતિપાદિત સિદ્ધાંતોને ધ્યાનમાં લઇ અરજદારોને ન્યાયિક
વળતરની રકમ અપાવાઇ છે. અરજદારના એડવોકેટ તરીકે ભુજના ધારાશાત્રી રાજેશ પ્રેમજીભાઇ ઠક્કર, હાર્દિક એન. જોબનપુત્રા હાજર રહ્યા
હતા.
ચેક પરત તથા અકસ્માતના કેસમાં આરોપી નિર્દોષ
રૂા. 2.52 લાખનો
ચેક બેન્કમાંથી અપૂરતા ભંડોળ થકી પરત ફરતાં ફરિયાદી હિતેન્દ્રસિંહ બાલુભા જાડેજાએ રબારી
ખીમા રામાભાઈ (જિયાપર) વિરુદ્ધ કેસ દાખલ કરતાં માંડવીની કોર્ટે આરોપીને પુરાવાના અભાવે
નિર્દોષ છોડયા છે. જ્યારે ફરિયાદી હુસેન ગાભા સુમરા તેની પ્લેઝરથી જતા હતા ત્યારે આરોપી
ઈલિયાસ ઈસ્માઈલ કુંભાર (રહે. મોટા રેહા,
તા.ભુજ)એ પોતાની ઈકો ગાડી બેદરકારીથી ચલાવી અકસ્માત સર્જી ફરિયાદી તથા
સાહેદને ઈજા પહોંચાડવાના કેસમાં ફરિયાદ પક્ષ પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ જતાં
માંડવીની અદાલતે આરોપી ઈલિયાસને નિર્દોષ ઠરાવ્યા છે. બન્ને કેસમાં આરોપીઓના વકીલ તરીકે
ધારાશાત્રી અલ્તાફહુસેન આર. નારેજા, આરીફહુસેન આર. નારેજા,
એ.આઈ. સુમરા, સેફઅલી પીંજારા, ઓનઅલી નારેજા હાજર રહ્યા હતા.