• મંગળવાર, 09 જૂન, 2026

ચોપડવા પાસે ટ્રેક્ટરનું પૈડું માસૂમ પર ફરી વળતાં મોત

ગાંધીધામ / ભુજ, તા. 8 : ભચાઉના ચોપડવા નજીક રેલવે પાટા પાસે પેટિયું રળતા શ્રમિકના બાળક અક્ષત (ઉ.વ. 3) ઉપર ટ્રેક્ટરના પૈડાં ફરી વળતાં આ માસુમે જીવ ખોયો હતો. બીજીબાજુ ત્રણ-ચાર દિવસ પહેલાં મજૂરી અર્થે આવેલા શ્રમિક અનિલ શૈતાનસિંઘ અહીરવારને ભારાપર નજીક અજાણ્યા વાહને હડફેટમાં લેતાં તેનું મોત થયું હતું. ખાવડામાં ફસાયેલા ટ્રેઇલરની મદદ માટે ગયેલા બે વાહન વચ્ચે દબાઇ જતાં મૂળ હિમાચલપ્રદેશના ટ્રક હેલ્પર એવા 19 વર્ષીય યુવાન સૌરભરાજ સુખદેવસિંગ બાજીગરનું કરુણ મૃત્યુ થયું હતું. મધ્યપ્રદેશમાં રહેનાર ફરિયાદી વેલસિંઘ વીરચંદ ભુરિયા પોતાની પત્ની, બે દીકરી અને એક પુત્ર સાથે એક મહિના પહેલાં અહીં મજૂરી અર્થે આવ્યા હતા. આ યુવાન ચોપડવાની સીમમાં રેલવે પાટા પાસે ફાઉન્ડેશનનું કામ કરતા હતા અને બાજુમાં જ તંબુમાં રાત્રિરોકાણ કરતા હતા. ગઇકાલે રવિવાર હોવાથી રજા હતી અને આ યુવાનનો પરિવાર તંબુ પાસે હતો. સૌથી નાનો દીકરો ટ્રેક્ટર નંબર એમ.પી. 45 ઝેડ.એલ. 2530 પાસે રમી રહ્યો હતો ત્યારે વાહનના ચાલકે વાહન ચાલુ કરી દેતાં અને આગળ હંકારતાં બાળક પૈડા નીચે આવી ગયો હતો. દરમ્યાન, ત્યાં હાજર રમલીબેન નામની મહિલા બાળકને બચાવવા જતાં તેમને પણ ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા બાળકને સારવાર માટે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યું હતું. વાહનના ચાલક પ્રબેસિંઘ બહાદુર મુનિયા સામે ગુનો નોંધાયો હતો. માસુમ બાળકના મોતને પગલે ભારે અરેરાટી પ્રસરી હતી. વધુ એક જીવલેણ બનાવ ગાંધીધામના ભારાપરમાં સાલ કંપની સામે રોડ પર બન્યો હતો. ઠેકેદારનું કામ કરનાર ફરિયાદી પવન સુરેશ ઝા પાસે અનિલ આહીરવાર બે-ત્રણ દિવસ પહેલાં પોતાના કુટુંબ સાથે આવ્યો હતો અને કામ આપવા જણાવ્યું હતું. આજે સવારે 8 વાગ્યાના અરસામાં અનિલ સાલ કંપની પાસે હતો ત્યારે કોઇ અજાણ્યા ટ્રકચાલકે તેને હડફેટમાં લેતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ યુવાનને સારવાર માટે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૂળ હિમાચલપ્રદેશનો સૌરભરાજ આઠેક માસ પૂર્વે જ મજૂરી અર્થે કચ્છ આવી મુંદરા બાયપાસ રહેતો હતો અને ટ્રકમાં હેલ્પર તરીકે કામ કરતો હતો. ગત તા. 6/6ના સાંજે ખાવડાના અદાણી ચેકપોસ્ટ પાસે ટ્રેઇલર નં. જી.જે. 12 સી.ટી. 4259વાળાના ચાલક રિષભકુમાર સોમરાજ લોહરિયા (રહે. મૂળ પંજાબ, હાલે બાયપાસ-મુંદરા)નું ટ્રેઇલર ફસાઇ જતાં સૌરભરાજ અને તેના ટ્રેઇલરના ચાલક પરગતસિંગ તથા અન્ય ચાલક નવપ્રીતસિંગને જાણ કરતા ત્રણે ત્યાં ફસાયેલા ટ્રેઇલર કાઢવા ગયા હતા. બંને ટ્રેઇલરના પાછળ બેલ્ટ બાંધી રિષભકુમારનું ટ્રેઇલર બહાર કાઢ્યું અને બાંધેલો બેલ્ટ છોડતાં ચાલક રિષભકુમારનું ટ્રેઇલર પાછું આવતાં બંને ટ્રેઇલર વચ્ચે સૌરભરાજ દબાઇ જતાં ગંભીર ઇજાના પગલે તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. મૃતક સૌરભરાજના કાકાઇ ભાઇ સૂરજકુમારે ખાવડા પોલીસ મથકે વિગતો જાહેર કરતાં ટ્રેઇલરચાલક રિષભકુમાર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Panchang

dd