• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ગાંધીધામ: ગુરુકુળ વિસ્તારમાં બંધ ઘરનાં તાળાં તોડી 1.50 લાખની મતાની તફડંચી

ગાંધીધામ, તા. 19 : શહેરના એ ડિવિઝન નજીક વોર્ડ-7-ડી, ગુરુકુળ વિસ્તારમાં  આવેલા એક બંધ મકાનનાં તાળાં તોડી તસ્કરો તેમાંથી રૂા. 1,50,000ની મતાની ચોરી કરી નાસી ગયા હતા. શહેરના ગુરુકુળ વિસ્તારમાં વોર્ડ-7-ડીના પ્લોટ નંબર 109માં ગત તા. 12-9ના સાંજથી તા. 18-9ની સવાર દરમ્યાન તસ્કરોએ હાથ માર્યો હતો. આ મકાનમાં રહેતા મૂળ સુરેન્દ્રનગર કોંઢના હરપાલસિંહ સુખદેવસિંહ ઝાલા સિવિલ કોન્ટ્રાક્ટનું કામ કરે છે. ફરિયાદીના માતા-પિતા અમદાવાદ ગયા હતા. દરમ્યાન તા. 12-9ના ફરિયાદી તેમના પત્ની તથા ભાણેજી પણ અમદાવાદ જવા નીકળ્યા હતા. ફરિયાદીએ અમદાવાદ જતાં પહેલાં પોતાની પાસે કામ કરતા ચંદુભાઇ સતાણીને ઘરની ચાવી આપી હતી, અને પોતે ફોન કરે ત્યારે તેમના ઘરે જઇ પ્લાન્ટમાં પાણી નાખી આવવા ફરિયાદીએ જણાવ્યું હતું. ફરિયાદી પરિવાર સાથે અમદાવાદથી ઉજ્જૈન (મધ્યપ્રદેશ) ગયા હતા. ત્યાંથી પરત અમદાવાદ આવી ગઇકાલે સવારે ચંદુભાઇને ફોન કરી પ્લાન્ટમાં પાણી નાખી આવવા જણાવ્યું હતું. થોડીવાર બાદ ચંદુ સતાણીએ ફરિયાદીને ફોન કરી ઘરની તમામ લાઇટો ચાલુ હોવાની અને તાળાં તૂટેલાં હોવાની જાણ કરી હતી. ફરિયાદી યુવાન ગઇકાલે સાંજે પરત ઘરે આવતાં  તેમના મકાનમાં સરસામાન વેરવિખેર પડયો હતો. રસોડાંના પાછળના દરવાજાના નકુચા, તાળાં તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા અને અંદર નીચેના માળેથી ભગવાનના મંદિરમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ ઉપર ચડાવેલો સોનાનો મુગટ, સોનાનો હાર, સોનાની વાંસળી, સોનાની કાનની બુટી તથા લક્ષ્મીપૂજા કરવા માટે રાખેલા જુદા જુદા દરની નોટના બંડલ રોકડ રૂા. એક લાખ એમ કુલ રૂા. 1,50,000ની મતાની ચોરી કરી નાસી ગયા હતા. પોલીસ મથક નજીક આવેલા  આ વિસ્તારમાં બંધ ઘરમાંથી ચોરીના બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang