ભુજ, તા. 23 : ગઇકાલે બપોરે નાગરચકલામાં
આવેલી સિલાઇ મશીનની દુકાનના સેક્શનનું લોક તોડી રૂા. 1.50 લાખ રોકડની તસ્કરી થઇ હતી.
ધોળા દિવસે અડધા કલાકમાં જ આ ચોરીના બનાવથી વેપારીઓમાં ચકચાર મચી હતી. આ બનાવ અંગે
સૂરજપર રહેતા અને નાગરચકલામાં ત્રિમૂર્તિ એન્ટરપ્રાઇઝ નામની સિલાઇ મશીન વેચાણ અને સર્વિસની
દુકાન ચલાવતા ધર્મેશભાઇ શાંતિભાઇ દરજીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 22-5ના રોજિંદું કામ કરતા હતા,
અગાઉના સિલાઇ મશીનનાં વેચાણ અને રિપેરિંગના મળેલા રૂા. 1,50,000 દુકાનની ટેબલનાં ખાનાંમાં
રાખ્યા હતા. બપોરે ત્રણ વાગ્યે તેઓ દુકાનના સેક્શનને લોક મારી ગોદામમાં સિલાઇ મશીન
લેવા ગયા હતા અને અડધા કલાકમાં પરત ફરતાં દુકાનના સેક્શનનો દરવાજો ખુલ્લો હતો અને સામાન
વેર-વિખેર હતો. ટેબલનાં ખાનાંમાં રાખેલા રોકડા રૂા. 1,50,000 ન હતા. આમ સેકશનનું લોક કોઇ
ઓજારથી તોડી અજાણ્યા ચોર ઇસમે રૂા. 1.50 લાખની ચોરી કર્યાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસે નોંધી તપાસ હાથ ધરી
છે.