ગાંધીધામ, તા. 6 : રાપરના ફતેહગઢમાં એક ઘરમાં
ઘૂસી ગાળાગાળી-ધાકધમકી કરી કિશોરીની છેડતીનાં પ્રકરણમાં એક શખ્સને ત્રણ વર્ષની સખત
કેદ તથા અન્ય ત્રણ આરોપી સગા ભાઇને એક-એક વર્ષની સજાનો ચુકાદો આપવામાં આવ્યો હતો. ફતેહગઢમાં
ગત તા. 26/11/2022ના રાત્રિના ભાગે આ ચકચારી
બનાવ બન્યો હતો. ફરિયાદી મહિલા અને તેમની સગીર દીકરી ઘરે હતા ત્યારે આરોપી હરેશ સામા
કોળી, દલા સામા કોળી, અરવિંદ
સામા અને ભરત સામા કોળી નામના શખ્સોએ ઘરે આવી ધાકધમકી આપી ગાળાગાળી કરી હતી અને કિશોરીની
છેડતી કરી હતી. આ બનાવ અંગે તા. 9/12/2022ના પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી
આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમના વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી ભચાઉની વિશેષ પોકસો
કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં 8 જેટલા મૌખિક પુરાવા, 10 દસ્તાવેજી પુરાવા અને સગીરા
તથા તેની માતાની જુબાની ભરોસાપાત્ર અને સુસંગત તથા ભોગ બનનારની મક્કમ જુબાનીના આધારે
કોર્ટે આરોપીઓને સજા ફટકારી હતી. આ કેસમાં હરેશ કોળીને પોકસો એક્ટની કલમ તળે 3 વર્ષની સખદ કેદ તથા રોકડ દંડ ફટકાર્યો હતો
અને દલા કોળી, અરવિંદ તથા ભરત સામા કોળીને
અન્ય જુદી-જુદી કલમો તળે એક-એક વર્ષની સજાનો ચુકાદો આપવામાં આવ્યો હતો તેમજ દંડની રકમ
વસૂલ થયેથી ભોગ બનનારને વળતર પેટે ચૂકવવા આદેશ કરાયો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી
વકીલ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ હાજર રહી તર્કબદ્ધ રીતે દલીલો કરી હતી.