• રવિવાર, 17 મે, 2026

વડઝર પાસે બે બાઇક ટકરાતાં ઢોરીના કિશોરનું સારવારમાં મોત

ભુજ/ગાંધીધામ, તા. 6 : ભુજ તાલુકાના વડઝર પાસે ગત તા. 4/5ના બે બાઇકની ટક્કરમાં એક બાઇકની પાછળ બેઠેલા ઢોરીના 14 વર્ષીય કિશોર શ્વેત ધુલાભાઇ વારોતરાનું ગંભીર ઇજાના પગલે સારવાર દરમ્યાન મૃત્યુ નીપજતાં પરિવારમાં ગમગીની છવાઇ હતી. બીજીતરફ અંજાર તાલુકાના ભીમાસર નજીક રત્નમણિ કંપની આગળ બાઇક પર સવાર કવિતાબેન વિજય કોવડે (ઉ.વ. 40) નીચે પટકાતાં ગંભીર ઇજાઓના પગલે તેમનું મોત થયું હતું. વડઝર પાસેના અકસ્માત અંગે ઢોરીના દામજીભાઇ કાનાભાઇ વારોતરાએ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં જાહેર કરેલી વિગતો મુજબ તેમનો ભત્રીજો શ્વેત બાઇકની પાછળ બેઠો હતો અને તા. 4/5ના સાંજે 6.30 વાગ્યાના અરસામાં વડઝર પાસે તેમનાં બાઇક અને સામેથી આવતાં બાઇકની ટક્કર થતાં અકસ્માતમાં ઘાયલ શ્વેતને જી.કે. જનરલ હોસ્પિટલ લઇ આવ્યા હતા. જેનું તા. 5/6ના સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. બનાવ અંગે માનકૂવા પોલીસને જાણ કરાઇ છે. બીજીતરફ આ જ અકસ્માતમાં ઘાયલ 37 વર્ષીય નેઉરભાઇ (રહે. વડઝર)ને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે, જેમના પગમાં અસ્થિભંગ સહિતની ઇજા પહોંચી હોવાની વિગતો પણ એમએલસીમાં જાહેર કરાઇ છે. દરમ્યાન, વરસામેડી સીમમાં આવેલી વિલમોર સ્કાયવૂડ કંપનીમાં કામ કરી શ્રમિક વસાહતમાં રહેતા ફરિયાદી વિજય જગનલાલ કૌવડે, તેમના પત્ની કવિતાબેન તથા સુરેન્દ્ર સિંઘ તા. 3/5ના સાંજે ભીસાસરની બજારમાં આવ્યા હતા, ત્યાં ખરીદી બાદ પરત જવા છકડો ન મળતાં ઓળખીતા ભરત સોલંકી (રહે. ભીમાસર)ને ફોન કરતાં તે બાઇક નંબર જીજે-39-2241 લઇને આવ્યો હતો. પહેલાં વિજય, સુરેન્દ્ર સિંઘને ફાટક સુધી મૂકી બાદમાં મહિલાને લેવા આવ્યો હતો. મહિલાને કંપનીમાં મૂકવા જતી વખતે મહિલા પાછળથી નીચે પટકાતાં તેમને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બાઇકચાલક સામે પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd