• રવિવાર, 17 મે, 2026

ગાંધીધામ : તલવાર વડે હુમલાના કેસમાં શખ્સને પાંચ વર્ષની કેદ

ગાંધીધામ, તા. 6 : શહેરના ગણેશનગર નજીક પાંચ વર્ષ અગાઉ ફટાકડા ફોડવા જેવી બાબતે તલવાર વડે હુમલાના કેસમાં એક આરોપીને દોષિત ઠેરવી તેને પાંચ વર્ષની સાદી કેદનો  ચુકાદો આપવામાં આવ્યો હતો. શહેરનાં ગણેશનગર નજીક પાંચ વર્ષ અગાઉ આ બનાવ બન્યો હતો. ફટાકડા ફોડવા મુદ્દે ડખો થયો હતો જેમાં ગુલામ હુશેન ઉર્ફે અકાઇ સાયચા નામના શખ્સે ફરિયાદી ભાવેશ પ્રેમજી દાફડા (મહેશ્વરી) ઉપર તલવાર વડે હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદીએ આ ગુલામ હુશેન તથા સાહિલ મોહન ભાગવંત (માતંગ) સામે બિ-ડિવિઝન પોલીસ  મથકે ફરિયાદ નોંધાવી હતી. ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીઓની અટક કરી હતી અને તેમના વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસ અહીંની વિશેષ એટ્રોસિટી કોર્ટમાં ચાલ્યા બાદ તમામ આધાર પુરાવા, મૌખિક નિવેદન વગેરે તપાસી ન્યાયાધીશ એલ.ડી. વાઘએ આરોપી એવા ગુલામ હુશેનને તલવાર વડે હુમલાની કલમો તળે તકસીરવાન ઠેરવ્યો હતો અને તેને પાંચ વર્ષની સાદી કેદ તથા રૂા. 5000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડ  ન ભરે તો એક માસની વધુની સજાનો ચુકાદો આપવામાં આવ્યો હતો. અન્ય કલમોમાં પુરાવાના અભાવે શંકાનો લાભ આપી છોડી મુકાયો હતો, જ્યારે સાહિલ માતંગને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો આદેશ કરાયો હતો. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ એસ.જી. રાણાએ સંપૂર્ણ કેસ ચલાવી ધારદાર દલીલો કરી હતી. 

Panchang

dd