નલિયા, તા 6 : કચ્છના લખપત તાલુકાના આંતરરાષ્ટ્રીય
જળ સરહદે ભારતીય જળસીમામાં મંગળવારે મોડી સાંજે એક પાકિસ્તાની માછીમારી બોટ બિનવારસુ
હાલતમાં મળી આવતાં સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાએ દરિયાઈ સુરક્ષાની
ગંભીરતા ફરી એકવાર ઉજાગર કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે મોડી સાંજે નારાયણ
સરોવરથી બીએસએફની પેટ્રાલિંગ પાર્ટી સીરક્રીક વિસ્તાર પાસે આવેલા મુકુલનાળા વિસ્તારમાં
પેટ્રાલિંગ કરી રહી હતી, તે દરમિયાન
તેમને એક માછીમારી બોટ બિનવારસુ હાલતમાં તરતી મળી આવી હતી. બોટની તપાસ કરતાં તેમાંથી રાશન અને માછીમારી કરવાના સાધનો મળી આવ્યાં હતાં.
જો કે, બોટમાંથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ
મળી ન હતી. બીએસએફના પ્રાથમિક અનુમાન મુજબ બોટમાં સવાર માછીમારોએ બીએસએફની પેટ્રાલિંગ
પાર્ટીની સ્પીડ બોટનો અવાજ સાંભળી લીધો હશે અને પકડાઈ જવાના ડરથી બોટને છોડીને પાકિસ્તાન
તરફ ભાગી ગયા હશે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બુધવારે સવારથી જ બીએસએફ સહિત
અન્ય વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા ક્રીક વિસ્તાર તેમજ દરિયાઈ કાંઠો અને દરિયાની અંદર
સઘન પેટ્રાલિંગ હાથ ધરવામાં આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે
અને શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓના સૂત્રો
દ્વારા જાણવા મળ્યા મુજબ મળી આવેલી બોટને કોટેશ્વર જેટી પર લાવવામાં આવી છે અને તેને
આગળની તપાસ તથા કાયદેસરની કાર્યવાહી માટે કસ્ટમ વિભાગને સોંપવામાં આવશે. આ સાથે વિવિધ
ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ પણ આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. નોંધનીય
છે કે, કચ્છનો દરિયાઈ વિસ્તાર સંવેદનશીલ ગણાય છે અને ભૂતકાળમાં
પણ આ પ્રકારની પાકિસ્તાની બોટો મળી આવવાની ઘટનાઓ બની ચૂકી છે, જે ભારતની દરિયાઈ સરહદની સુરક્ષા માટે સતત પડકારરૂપ રહી છે. આ ઘટના બાદ સુરક્ષા
એજન્સીઓ વધુ સતર્ક બની છે.