ભુજ, તા. 5 : આપઘાત કરવા મજબૂર કર્યાના કેસમાં ત્રગડી (તા. માંડવી)ના આરોપી પતિ અને બે
નણંદનો નિર્દોષ છુટકારો થયો છે. આ કેસની ટૂંક વિગતો મુજબ ફરિયાદી દીકરી અરુણાબા ભરતસિંહ
જાડેજાએ આપઘાત કરી લીધો હતો. આરોપી પતિ ભરતસિંહ સતુભા જાડેજા અને નણંદો હિનાબા સતુભા
જાડેજા તથા સરોજબા ઉર્ફે સોનલબા જાડેજા (રહે. ત્રણે ત્રગડી, તા. માંડવી)એ નાની-નાની વાતોમાં
મહેણાં-ટોણાં મારી, અવારનવાર ઝઘડા કરી શારીરિક - માનસિક ત્રાસ
આપતાં ફરિયાદીની દીકરી અરુણાબાએ દવા પી આપઘાત કરી લીધો હતો. આરોપીઓએ મરવા મજબૂર કર્યાની
ફરિયાદ નોંધાવતાં આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં 14 સાહેદોની જુબાની અને 22 દસ્તાવેજી પુરાવા રજૂ થયા હતા. બન્ને પક્ષોની
દલીલો સાંભળી અને ફરિયાદ પક્ષ પોતાનો કેસ પુરવાર ન કરી શકતાં આરોપીઓને નિર્દોષ ઠરાવી
છોડી મૂકવા હુકમ કરવામાં આવ્યો છે. આરોપી તરફે ભુજના સિનિયર એડવોકેટ હેમસિંહ ચૌધરી, દીપક ઉકાણીએ હાજર રહી દલીલો
કરી હતી. - ભુજની
જમીનનો દાવો રદ : ભુજના
રે.સ.નં. 843, 844 તથા 845વાળી જમીન અંગે વાદીઓ મહૂર્મ સમા (બકાલી) મલુબાઈ ભચુના વારસોએ ભુજની સિવિલ
કોર્ટમાં દાવો દાખલ કર્યો કે, વાદીની દાદી મલુબાઈના હક્કો પચાવી પાડવા પ્રતિવાદીઓના વડીલ
અબ્દુલ્લા ભચુ બકાલીએ રેકર્ડ પર નોંધ દાખલ
કરાવી પોતાના ખાતે જમીનો દાખલ કરાવી છે. દાવાવાળી મિલકત પર દરમ્યાન તેમજ કાયમી મનાઈ
હુકમ મેળવવા દાવો કર્યો હતો. પ્રતિવાદી નં. 3વાળા સમા ઈબ્રાહિમ અબ્દુલા વતી એડવોકેટ સચિન મહેન્દ્રભાઈ
ગોર વિવિધ મુદ્દાઓ સાથે દલીલો કરતાં ત્રીજા અધિક સિનિયર સિવિલ જજ કેતનકુમાર અશોકભાઈ
ડાભીએ વાદીનો દાવો રદ કર્યો હતો. એડવોકેટ સચિન ગોરની સામે અકુલ એ. અમૃતિયા, મીના પી. હડિયા રહ્યા હતા.
- છેડતી કેસમાં નિર્દોષ : ત્રણ વર્ષ પૂર્વે ફરિયાદીને ફોન કરી સમાજમાં બદનામ કરી નાખવાની ધમકી આપી પ્રેમ
સંબંધ રાખવા મજબૂર કરી હાથ પકડી છેડતી કરવાને લઈને એટ્રોસિટી સહિતની કલમો તળે આરોપી
ઈકબાલ ઈસ્માઈલ સમેજા (રહે. કોટડા - જ., તા. નખત્રાણા) વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. આ કેસમાં આરોપીને
શંકાનો લાભ આપી છોડી મૂકવાનો કોર્ટે હુકમ કર્યો છે. આરોપી તરફે ભુજના વકીલ કુલદીપ જિતેન્દ્રભાઈ
મહેતા, દેવરાજ ગઢવી, નરેશ ચૌધરી,
પ્રશાંત રાજપૂત હાજર રહ્યા હતા. - ભુજ : ચૂંટણી પ્રચાર બાબતે નાણાં કઢાવી લેવામાં
આરોપીના જામીન મંજૂર : ભુજ નગરપાલિકાના વોર્ડ-1ની ચૂંટણીના પ્રચાર બાબતે ધાકધમકી કરી બળજબરી
નાસ્તાની હાથલારીના ધંધાના નાણાં કઢાવી લઈ જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદના આરોપી
અલ્તાફ અબ્દુલ મોખાના જામીન અદાલતે મંજૂર કર્યા છે. આરોપી તરફે ધારાશાત્રી આર.એસ. ગઢવી, વિનીત જી. ચૌધરી, વિશ્વા એન. પરમાર, શિવમ બી. સોલંકી હાજર રહ્યા હતા. - ઝુરાની જમીનનો દાવો-અપીલ નામંજૂર : ભુજના ઝુરા ગામના રે. સ. નં.-116ની છ એકર અને 24 ગુંઠા જમીન બાબતે લાંબા સમયથી કાયદાકીય વિવાદ
હતો. રામ રાજીયા ગઢવીએ આયર રાણા ફકીરા સહિત પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ વર્ષ 2011ના સાટાકરારના આધારે અઘાટ વેચાણ દસ્તાવેજ કરી
આપવા બાબતે વર્ષ 2013માં
દીવાની દાવો દાખલ કર્યો હતો. આ કેસમાં પ્રતિવાદીઓ પક્ષે એડવોકેટ વિષ્ણુ એ. ગોહિલ, મહેન્દ્ર કે. ત્રિવેદી,
રાજેન્દ્રાસિંહ એમ. ઝાલા અને રવિરાજાસિંહ ટી. ભાટીએ હાજર રહી દલીલો કરી
હતી. જેના આધારે ભુજની અદાલતે દાવો નામંજૂર કર્યો હતો. આ હુકમ સામે કરવામાં આવેલી અપીલ
પણ જિલ્લા અદાલતે ગુણદોષના આધારે નામંજૂર કરી છે.