ગાંધીધામ, તા. 4 : ભચાઉ તાલુકાના શિકરા વાડી વિસ્તારમાં કોઈ કારણે ઝેરી દવા પી
જનારી સોનલબેન તમાશીભાઈ ઠાકોર (ઉ.વ.17)એ ચાલુ સારવારે આંખો
મીંચી લીધી હતી, અંજાર તાલુકાનાં વરસામેડીમાં
માદક પદાર્થ પી જવાથી મહેન્દ્રભાઈ (ઉ.વ.45)નું મૃત્યુ થયુ હતું, ભચાઉ તાલુકાનાં લલિયાણામાં હરિભાઈ નાગજીભાઈ રબારી (ઉ.વ.22)એ ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું
હતું, તો બીજી તરફ ભચાઉ-ગાંધીધામ ધોરીમાર્ગ ઉપર અજાણ્યાં
વાહનની ટક્કરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત શ્યામલાલ ભોલારામ હંસકર(ઉ.વ.58)નું મૃત્યુ થયું હતું. શિકરા
વાડી વિસ્તારમાં રહેતી સોનલબેન નામની કિશોરીએ
ગત તા.2/2નાં સાંજે 5.30 વાગ્યાના અરસામાં અગમ્ય કારણોસર પોતાનાં ઘરે જંતુ મારવાની દવા ગટગટાવી હતી. ત્યારબાદ તેમણે ભુજ જી.કે. જનરલ
હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાઈ હતી. ચાલુ
સારવાર દરમ્યાન ગત તા.3/2ના બપોરે
2.04 વાગ્યાના અરસામાં અંતિમ શ્વાસ
લીધા હતા. ફરજ ઉપરના ડો. મિત્તલ બરાડે તેમને
મૃત જાહેર કરી હતી. હતભાગીએ કયાં કારણોસર આ પ્રકારનું પગલું ભરી લીધું હશે તે
જાણવા પોલીસે વધુ છાનબીન આરંભી છે. વરસામેડી
વેલસ્પન કંપનીમાં રહેતા મહેન્દ્રભાઈએ ગત તા.2/2ના બપોરે 3 વાગ્યાના અરસામાં માદક પદાર્થ પી ગયેલા હોવાથી તેમને ભુજ જી.કે. જનરલ
હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમ્યાન ગઈકાલે સાંજે 5ાંચ વાગ્યાના અરસામાં તેમણે દમ તોડયો હતો.
પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ તપાસ આરંભી
છે. લલિયાણાના રબારીવાસમાં રહેતા હરિભાઈએ લલિયાણાથી
આંબલિયારા રોડ ઉપર જીનાવ ફાર્મની સામેનાં ખેતરમાં ગત તા.2/2ના સાંજે સાત વાગ્યાથી તા.
3/2ના સાંજે ચાર વાગ્યાના અરસામાં કોઈ કારણે લીમડાની ડાળીમાં લુંગી વડે ગળેફાંસો ખાધો
હતો. છાડવાડ સોલર કંપનીમાં કામ કરતા આ યુવાને
કયા કારણોસર આ પ્રકારનું પગલું ભરી લીધું હશે તે દિશામાં પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ તપાસ માટે ચક્રોગતિમાન
કર્યાં છે. માર્ગ અકસ્માતનો બનાવ ભચાઉથી ગાંધીધામ
ધોરીમાર્ગ ઉપર એ.વી. જોષી પુલ ઉપર ગત તા. 31/1ના રાત્રે 8.15 વાગ્યાના અરસામાં બન્યો હતો.
પોલીસસૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગળપાદરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા શ્યામલાલ મોટરસાઈકલ જીજે-12-ડીઆર-9855 લઈને નોકરી જવા માટે નીકળ્યા
હતા. દરમ્યાન અજાણ્યાં વાહને તેમણે હડફેટે લીધા હતા. આ અસ્કમાતમાં તેમને ગંભીર પ્રકારની
ઈજા થતાં સારવાર કારગત નીવડે તે પહેલાં આંખો મીંચી લીધી હતી. ઉષાબેન સંજયભાઈ સેંદરની
ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ આરંભી છે.