મુંદરા તાલુકામાં નાની-મોટી આગના કિસ્સાઓ અવારનવાર બને છે, તેમાં બનેલા વધુ એક કિસ્સામાં તાલુકાના ધ્રબ
ગામના વાડીવિસ્તારમાં હિન્દ ટર્મિનલ નજીક મંગળવારે રાત્રે લગભગ પોણા આઠ વાગ્યે ખુલ્લા
કચરાના વાડામાં આગ ફાટી નીકળી હતી. આ સ્થાને પ્લાસ્ટિકનો ભંગાર અને કચરો સળગી ઊઠ્યો
હતો અને આગે રાત્રે ભયાનક રૂપ ધરી લીધું હતું. આમાં કોઈને ઈજાની ઘટના સામે નથી આવી,
પણ કોઈએ બળતી બીડી- સિગારેટ ફેંકી દેવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન
વ્યક્ત થયું છે. ઘટનાની જાણ થતાં અદાણી ગ્રુપના અગ્નિશમન દળે તુરંત જ પહોંચી જઈને આગને
કાબૂમાં લીધી હતી. અહીં ફરી એ ઉલ્લેખનીય છે કે, ઔદ્યોગિકીકરણ અને ઝડપી વિકાસમાં મુંદરાનું
નામ ભલે વિશ્વસ્તરે હોય, પણ
સરકારી માળખાંકીય સ્તરે ન તો નગરપાલિકા, તાલુકા પંચાયત,
મામલતદાર કે કોઈ મોટી કમાણીવાળી પંચાયત કે તંત્ર પાસે અગ્નિશમનની વ્યવસ્થા
નથી. આ વિસ્તારમાં જ્યારે પણ આગ લાગે છે ત્યારે આસપાસની મોટી ખાનગી કંપનીઓની ફાયર ટુકડીઓ
આગને બુઝાવે છે.