ગાંધીધામ, તા. 10 : કંડલા વિસ્તારમાં પૂરઝડપે આવતી
ટ્રકે દ્વિચક્રી વાહનને હડફેટે લીધું હતું.
આ બનાવમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા નરસિંગ
ઘનારામ પરીહાર (ઉ.વ. 56) તથા રોહિત
પન્નાલાલ યાદવ (ઉ.વ. 13)નું મૃત્યુ થયું હતું. કંડલા ફ્રેન્ડ્સ સોલ્ટ કંપનીના
ગેટ પાસે આવેલા રોડ ઉપર ગઈકાલે રાત્રે 8 વાગ્યાના અરસામાં અકસ્માતનો બનાવ બન્યો
હતો. ટ્રક નં. જી.જે.- 12-ડબલ્યુ-7546ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન
ચલાવીને સ્કૂટી નં. જી.જે.- 12-ઈ.જી-3548ને ટક્કર મારી હતી. અકસ્માત કરનાર વાહનચાલક દ્વિચક્રી વાહનને દૂર સુધી
ઘસડી ગયો હતો. એ.વી. જોષી કંપનીમાં કામ કરતા નરસિંગભાઈ ફ્રેન્ડ્સ સોલ્ટ કંપની સામે
સામાન આપી એલ.પી.જી. સર્કલ તરફથી ઘર તરફ આવી
રહ્યા હતા. દરમ્યાન અકસ્માતનો બનાવ બન્યો હતો. ટ્રક તળે આવી જવાથી નરસિંગભાઈને માથાંના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર પ્રકારની
ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર કારગત નીવડે તે પહેલાં તેમણે આંખો મીંચી લીધી હતી. આ
ઉપરાંત સ્કૂટીની પાછળ બેસેલા રોહિતભાઈને પણ
ગંભીર પ્રકારની ઈજાઓ થતાં તેમનું પણ મૃત્યુ થયું હતું. આ અંગે વિનોદ નરસિંગ
પરીહારની ફરિયાદના આધારે અકસ્માત કરનાર વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ
આરંભી છે.